છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવા મામલો કોંગ્રેસના કાઉન્સિલરો સાથે ઝપાઝપી
ઝપાઝપી બાદ પોલીસ મથકમાં અરજીઓ, નેતાઓની ઉપસ્થિતિમાં મોડી રાત્રે સમાધાન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્મશાનોનું ખાનગીકરણ કરવાના નિર્ણય બાદ વિવાદ સતત વધી રહ્યો છે. તેમા ગઈકાલે મોડી રાત્રે છાણી વિસ્તારમાં આવેલા સ્મશાન પરથી ટ્રેક્ટર ભરાઈ લાકડા લઈ જવાતા મામલો વધુ ગરમાયો હતો. સમગ્ર મામલો કૉંગ્રેસના કોર્પોરેટરોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. લાકડા લઈ જઈ રહેલા ટ્રેક્ટરના ડ્રાઇવરોનું કહેવું હતું કે, તેઓ સ્થાનિક ટ્રસ્ટના સંચાલક તથા ભાજપના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશ પટેલના કહેવા પર લાકડા લઈ જઈ રહ્યા છે. લાકડા છાણી ધર્માદા ટ્રસ્ટના હોવાનું તથા તે આજુબાજુના ગામના સ્મશાનોમાં દાન તરીકે આપવા માટે લઈ જવામાં આવી રહ્યા છે તેમ જણાવાયું હતું. આ દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિ અને સ્થાનિક ગ્રામજનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. કોંગ્રેસના કોર્પોરેટરો હરીશ પટેલ, જહાં ભરવાડ અને પુષ્પાબેન વાઘેલાએ લાકડાની વિગતવાર માહિતી માંગતા થોડીવારમાં જ બંને પક્ષે તું તું મેં મેં શરૂ થઈ ગઈ હતી. લગભગ અડધો કલાક સુધી બંને પક્ષોમાં ઉગ્ર ચર્ચા અને બોલાચાલી ચાલી હતી. મામલો એટલો ઉગ્ર બન્યો કે કોંગ્રેસના કોર્પોરેટરો સાથે ધક્કા મૂક્કી અને ઝપાઝપી પણ થઈ. આ ઘટનાની જાણ છાણી પોલીસ મથકે થતાં બંને પક્ષે જઈને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને ભાજપના અગ્રણીઓ સહિતના લોકો પોલીસ મથકે પહોંચી ગયા હતા. બંને પક્ષ વચ્ચે ચર્ચા કરીને આ મામલે સમાધાન કરાવાયું હતું અને પોલીસમાં કરેલી અરજી પરત લેવામાં આવી હતી.
તાજેતરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતા કેટલાક સ્મશાનો હવે ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાયા છે. જેના પગલે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લી કોર્પોરેશન સભામાં પણ કૉંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. છાણીના સ્મશાન ગૃહની વાત કરીએ તો છેલ્લા 50 વર્ષથી છાણી ધર્માદા ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન થતું આવ્યું છે. જોકે છેલ્લા એક મહિનાથી તેનો કોન્ટ્રાક્ટ ખાનગી પક્ષને સોંપાતા જૂના દાતા અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
અમારું ગ્રુપ લાકડા ભેગા કરે છે, ટ્રસ્ટ કોઈ લાકડા આપતું નથી
ધર્માદા ટ્રસ્ટમાંથી માત્ર છેલ્લા દિવસની કીટ આપવામાં આવે છે. સાથે જ મોબાઈલ વાન કીટ અને તેના ડ્રાઈવરોના વેતન ધર્માદા ટ્રસ્ટમાંથી ચૂકવવામાં આવે છે. રહી વાત લાકડાની, તો અમારા દસ લોકોનું ગ્રુપ છે જે લાકડા સ્મશાનમાં ભેગા કરે છે. જેમાં કેટલાક સ્થાનિક લોકો પણ સહયોગ કરે છે. અમારી પાસે ટ્રસ્ટના બધા જ પુરાવા છે. લાકડા ટ્રસ્ટમાંથી આપવામાં આવતા નથી. – સતિષ પટેલ, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન
સ્મશાનમાં પડેલા લાકડાના માલિક છાણી ગામના લોકો છે
રાત્રે સ્મશાનમાંથી લાકડા લઈ જતા હોવાનું જાણવા મળતા મેં મારા સાથી કાઉન્સીલરોને સ્થળ પર બોલાવ્યા હતા. આ દરમિયાન સતીષભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. સતીષભાઈ લાકડા તેમની માલિકના હોવાનું કહેતા અમે તેમની પાસે પુરાવા માંગ્યા હતા. છાણી સ્મશાનમાં લાકડા છાણી ગુરુદ્વારા પણ દાન કરે છે. છાણી ગામના લોકોએ ધર્માદા ટ્રસ્ટ બનાવ્યું હતું અને તેમાં બધા દાન કરે છે. આ લાકડાના મૂળ માલિકો છાણી ગામના લોકો છે. – હરીશ પટેલ, કોંગ્રેસ કાઉન્સિલર
મૃતકોના પરિવારજનોએ સ્મશાન માટે એક રૂપિયો પણ આપવો નહીં પડે
પાલિકા દ્વારા કરાયેલા ઇજારામાં એક મૃતદેહ દીઠ મહત્તમ ખર્ચ 2780 નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 7 મણ લાકડા, 1200 છાણા, પાંચ પૂળા અને આખરી સામાનનો સમાવેશ થાય છે. આ તમામ ખર્ચ પાલિકા ઉઠાવશે અને મૃતકોના પરિવારજનોએ એક પણ રુપિયો આપવાનો રહેશે નહીં. સાથે જ, મહેકમ ન હોવાના લીધે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેનપાવર આઉટ સોર્સથી લેવામાં આવશે. જેમાં તેમને સરકારી નિયમો મુજબ બધા ફાયદા પણ મળશે.