ટ્રાફિક સમસ્યા તથા પાર્કિંગ વ્યવસ્થા માટે પણ ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી એક્શન પ્લાન્ટ તૈયાર કરાયો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આશરે 1800 કરોડના વિકાસના વિવિધ કામો થાય તેવી સંભાવના છે. 31 ડિસે. સુધીમાં કોર્પોરેશનના થયેલા કામોની સમીક્ષા બાદ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 1200 કરોડનું પેમેન્ટ થયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં 990 કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે, માર્ચના અંત સુધીમાં 1800 કરોડ થઈ જશે. ચાલુ વર્ષે જે મહત્વના કામો થયા છે તે સંદર્ભે વિવિધ વિભાગોના વડાઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી અને હાલ કયા કામો ચાલુ છે બાકીના કામો ઝડપથી પૂર્ણ કરવા અને હજી વધુ શું થઈ શકે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે 391 કરોડના ખર્ચે 6 નવા બ્રિજની કામગીરી હાથ પર લેવામાં આવી છે. જેનાથી ટ્રાફિક સમસ્યા હલ થશે અને અકસ્માતો પણ ઓછા થશે. ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે થોડા સમય અગાઉ વડોદરા શહેર પોલીસ કમિશનર,ટ્રાફિક પોલીસ સાથે સંકલન બેઠક કર્યા બાદ જ્યાં જ્યાં ટ્રાફિક ઘસારો વધારે થાય છે ત્યાં કેવી રીતના ટ્રાફિક ઓછો થાય તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી ત્યાં પાર્કિંગ ઝોન બનાવવા પે એન્ડ પાર્ક બનાવવા ના ઇજારા આપવા પણ આ બેઠક દરમિયાન સૂચનો લેવામાં આવ્યા હતા. 41.61 કરોડના ખર્ચે બિલ્ડીંગ વિભાગોના કામો ચાલુ છે જેમાં ગોત્રીમાં ચાર્જિંગ સ્ટેશન, દક્ષિણ વિસ્તારમાં નવી લાઈબ્રેરી, પાણીગેટમાં સ્ટાફ ક્વાર્ટર્સ સહિતના સિવિલ વર્કના કામો ચાલુ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 321 કરોડના કામો ચાલુ છે. જેમાં 149 કરોડના ખર્ચે રાયકામાં 150 એમ.એલ.ડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નિમેટામાં 50 એમએલડીના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેવાસીમાં પાણીની નવી ટાંકી, 50 કરોડના ખર્ચે આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણી પ્રેશર સુધારણા, પાણીની લાઈનના નેટવર્કનું મજબૂતીકરણ, વિવિધ સ્ત્રોતનું ઈન્ટર લિકિંગ, નવા અંડરગ્રાઉન્ડ સંપ વગેરેનો સમાવેશ થાય છે. 410 કરોડના ખર્ચે ડ્રેનેજ અને વરસાદી ગટરના નેટવર્કની કામગીરી પણ કરવામાં આવી રહી છે. શેરખીમાં 180 કરોડના ખર્ચ 100 એમએલડીનો પ્લાન્ટ, તરસાલી વડદલામાં 50 એમએલડીનો પ્લાન્ટ, દરજીપુરામાં નવું નેટવર્ક ઊભું કરવાના કામનો સમાવેશ થાય છે. હાલની ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટર લાઈનનું નેટવર્ક સુધારણાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 253 કરોડના ખર્ચે રોડ પ્રોજેક્ટના કામો હાથ પર લેવાયા છે, જેમાં કાચા પાકા રોડ મજબૂત કરવા સીલ કોટ કરવું વગેરે આવરી લેવાયા છે. કોર્પોરેશનની મિકેનિક શાખા દ્વારા 70 કરોડના ખર્ચે 24 નવા વાહનોની ખરીદી કરી છે.
આ ઉપરાંત જરૂરી બીજા વાહનો અને રોબોટની પણ ખરીદી કરવામાં આવશે. આઈટી વિભાગ દ્વારા 14.15 કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. જેમાં 33 એલઈડી ઉપરાંત 300 સીસીટીવી કેમેરા મંજુર કર્યા છે. ઉપરાંત 90 સોલર બેઝડ કેમેરા લગાડયા છે. 450 વાહનોમાં જીપીએસ ફિટ કરવામાં આવેલ છે. જે ફીટ કરવાથી ભ્રષ્ટાચાર સંદર્ભે જે ફરિયાદો ઉઠી હતી તેના પર નિયંત્રણ લાવવા પ્રયાસ કર્યો છે. બાગ બગીચા સુંદર બનાવવા 8.98 કરોડના ખર્ચે કામ ચાલુ કરવામાં આવ્યું છે. 10.78 કરોડના ખર્ચે સફાઈ મિત્રો માટે સાધનો,હાથ લારીઓ, દુર્ગંધ નાશક દવાઓની ખરીદી કરવા ઉપરાંત આરોગ્ય વિભાગ માટે દવાઓ, શહેરની સુંદરતા વધારવા વોલ પેન્ટીઇન્ટિંગ અને સ્વચ્છતા પર વધુ ભાર મૂકવામાં આવશે. આશરે 36 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે 831 જગ્યા પર કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 1200 સફાઈ સેવકો લેવાયા છે. 66 ઈજનેરો લેવાશે. આમ,છેલ્લા 10 વર્ષની સરખામણીએ આ વર્ષે ડબલ સ્પીડ એચીવ કરી છે સ્પીડ અને સ્કીલ વધારી છે: સ્થાયી સમિતિ અધ્યક્ષ .