Vadodara

સ્થાયી સમિતિ સમક્ષ ૨૦ કામોની દરખાસ્ત રજૂ, ‘ક્લાઈમેટ સેલ’ રચવા અને ડિજિટલ ટેકનોલોજી અપનાવવા પ્રસ્તાવ

ઈ-મેલ સિસ્ટમ માટે ‘Google Workspace’ ઉપયોગમાં લેવા માટે ટેક્નિકલ દરખાસ્ત પણ સામેલ

વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની આગામી શુક્રવારની બેઠકમાં વિવિધ વિભાગોની કુલ ૨૦ કામોની દરખાસ્તો રજૂ થનાર છે. સ્થળાંતર, વિકાસ તથા નીતિગત નિર્ણયો સંબંધિત આ દરખાસ્તોમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે. દરખાસ્ત મુજબ, ફિક્સ પગારધારક કર્મચારીઓના અવસાન પછી તેમના પરિવારજનોને સહાયરૂપ થવા નાણા મંજુર કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત, વડોદરાને ક્લાઈમેટ રેસિલિયન્ટ શહેર બનાવવા માટે ‘નેટ ઝીરો’ હેતુ હેઠળ ‘ક્લાઈમેટ સેલ’ રચવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. ગાગડિયા શેરી, ટપોવન રોડ, મકરપુરા, સંજેલી, રામાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ, નવનિર્માણ અને માર્ગ સુધારણા માટે કરોડો રૂપિયાનાં કામો મંજૂરી માટે રજૂ થશે. વિકાસના અંદાજીત રૂ. ૪૫ લાખના ખર્ચની દરખાસ્ત પણ રજૂ થનાર છે. ડિજિટલ વ્યવસ્થાને આગળ ધપાવવાના હેતુસર મહાનગરપાલિકાની ઈ-મેલ સિસ્ટમ માટે ‘Google Workspace’ ઉપયોગમાં લેવા માટે ટેક્નિકલ દરખાસ્ત પણ સામેલ છે. ઉપરાંત, અંદાજીત રૂ. ૨,૧૭૫ કરોડના આંતરમાળખાકીય કામો માટે નીતિગત સ્તરે મંજૂરી લેવા માટેની ભલામણ પણ રજૂ થશે. સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે યોજાશે અને આ તમામ દરખાસ્તો પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.


વિકાસના માર્ગે વડોદરા : ૨૧૭૫ કરોડના કામોને સરકારની મંજૂરી

વડોદરા મહાનગરપાલિકા માટે શહેરના સર્વાંગી વિકાસને આગળ ધપાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વડોદરા મહાનગરપાલિકાને કુલ રૂ. ૨૧૭૫.૪૪ કરોડના વિકાસકામોની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. આ વિકાસકામો મુખ્યત્વે આંતરમાળખાકીય સુવિધાઓના છે, જેને શહેરના વિવિધ ઝોન અને પ્રોજેક્ટ કક્ષાએથી પ્રાથમિકતા આધારે પસંદ કરવામાં આવ્યા છે. આ કામો માટે રકમ વિવિધ ગ્રાંટ હેઠળ ફાળવાશે, જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-૭૮), ૧૫મું નાણાપંચ, વ્યવસાય વેરો, જમીન મહેસુલ બિનખેતી અને અન્ય ગ્રાંટોનો સમાવેશ થાય છે. વડોદરા મહાનગરપાલિકાને છેલ્લા વર્ષે મળેલી ગ્રાંટના આધાર પર આ વર્ષે લગભગ દોઢગણી રકમ ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ તમામ કામોની વિગત તેમજ યોજનાઓ રજુ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં મહાનગરપાલિકાએ સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી બાદ સરકારમાં દરખાસ્ત મોકલવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં પણ વિકાસના કામોને મહત્વ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી રસ્તા યોજના હેઠળ તેમજ અન્ય નાણાંકીય સહાયોના આધારે કુલ રૂ. ૬૪૦ કરોડના વધારાના કામો પણ હાથ ધરાશે.

Most Popular

To Top