Vadodara

સ્થાયી સમિતિની બેઠકમાં 35 માંથી 32 કામોને મંજૂરી, 3 કામ મુલતવી

EWS-II લાભાર્થીઓ માટે મોટો નિર્ણય, સ્મશાનગૃહ માટે વિશેષ વ્યવસ્થા

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની તાજેતરની બેઠકમાં કુલ 35 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 32 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 3 કામો મુલતવી રાખવામાં આવ્યા છે. બેઠક દરમિયાન શહેરના વિકાસને વધુ વેગ આપતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. વડોદરામાં નવા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીની નિમણૂક બાદ સ્થાયી સમિતિમાં વિકાસ કાર્યો વધુ ઝડપી મંજૂર થઈ રહ્યા હોવાનું સ્થાયીના સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે. ડૉ. સોનીએ સંકલનમાં ફરી તાકીદ કરી કે વિકાસ કાર્યમાં કોઈ અડચણ ન આવે તેની ધ્યાન રાખો.

ચાર ઝોનમાં આવેલા 31 સ્મશાનગૃહ માટે ચાર એજન્સીઓની નિમણુક

શહેરના ચાર ઝોનમાં આવેલા 31 સ્મશાનગૃહ માટે ચાર એજન્સીઓની નિમણુક કરવામાં આવી છે, જે મેન પાવર પૂરી પાડશે. સ્મશાન સંચાલન સુચારૂ રહે તે માટે દરેક મૃતદેહ માટે 7 મણ લાકડાં, 1200 છાણા અને 5 ઘાસના પૂળા મળી કુલ રૂ. 2,200 નો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે. અગાઉ શહેરજનોને સ્મશાન સંચાલન સંબંધિત જે તકલીફો પડી રહી હતી, તે હવે દૂર થશે. સાથે જ દરેક સ્મશાનગૃહમાં 7 થી 10 સ્ટાફ, જેમાં સિક્યોરિટી અને સફાઈ કર્મીઓનો પણ સમાવેશ થશે, તેમની નિમણુક કરવામાં આવશે.

EWS-II લાભાર્થીઓ માટે મોટી રાહત

કોર્પોરેશન દ્વારા EWS-II (આર્થિક રીતે નબળા વર્ગ)ના લાભાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના લીધે કોર્પોરેશન પર રૂ. 17.56 કરોડનો વધારાનો બોજો પડશે, પણ ગરીબ પરિવારોને મોટો લાભ મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ભાયલી, સેવાસી અને બીલમાં EWS-II કેટેગરી માટે 1,067 મકાનો બનાવવામાં આવ્યા છે.આ મકાનો માટે સરકારની ગ્રાન્ટ અને લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ ફાળીને સિવાય વધારાના રૂ. 18.25 કરોડનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે.

પુલો અને કલવર્ટના નિરીક્ષણ માટે એજન્સી નિમાઈ

વડોદરા મહાનગર પાલિકા હદમાં આવેલા 40 પુલો અને 7 કલવર્ટની વરસાદ પહેલા અને પછી બીજો અને કલવર્ટના નિરીક્ષણ માટે મે. ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જી. પ્રા. લિ.ને 3% ઓછા ભાવ સાથે રૂ. 1.25 કરોડના કોન્ટ્રાક્ટની મંજૂરી આપવામાં આવી છે.


સ્થાયી સમિતિમાં 32 વિકાસ કામોને મંજૂરી આપીને, અમે શહેરની પ્રગતિ માટે મજબૂત પગલા ભર્યા છે. 31 સ્મશાનગૃહો માટે નવી એજન્સીઓની નિમણૂંક, EWS-II લાભાર્થીઓ માટે રૂ. 17.56 કરોડનો વધારાનો ખર્ચ, અને 40 પુલો અને 7 કલવર્ટના નિરીક્ષણ માટે કોન્ટ્રાક્ટ મંજૂર કરી, સુશાસન માટેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. – ડૉ. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ

Most Popular

To Top