Vadodara

સ્થાયી ચેરમેનના જ વોર્ડમાં આવેલા ખોડિયારનગરમા ગંદા પાણીને કારણે ઝાડા ઉલટી થી શ્રમજીવી મહિલાનું મોત*



*છેલ્લા પંદરેક દિવસથી ખોડિયારનગરના ગોવિંદનગર સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાના પરિજનોના આક્ષેપો*

*શહેરમાં ચોમાસાની શરુઆતમાં જ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત થી લોકોની ચિંતા વધી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 30


ચોમાસાની ઋતુ શરૂ થઇ ચૂકી છે શનિવારથી વરસાદની પણ ધમાકેદાર હેલી શરૂ થઇ ગઇ છે સાથે સાથે રોગચાળાની પણ શરૂઆત થઇ ગઇ છે. વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી સંપૂર્ણ રીતે થઇ ગ ઇ હોવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકા તંત્રના તમામ દાવાઓ ઠગારા સાબિત થયા છે. શહેરમાં આડેધડ ખોદકામ તો ક્યાંક ડ્રેનેજની અને પાણીની લાઇનોમા લિકેજની ઘટનાઓ જોવા મળી રહી છે જેના કારણે પીવાના પાણીનો વેડફોટ તો થઇ જ રહ્યો છે સાથે જ પાણીની લાઇનોમા ભંગાણ કે લિકેજથી જે તે વિસ્તારમાં ગંદુ, ડહોળું પાણી આવી રહ્યું છે જેના કારણે ચોમાસામાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.દીવા તળે જ અંધારા જેવો ઘાટ શહેરના સ્થાઇ ચેરમેનના વોર્ડ વિસ્તાર નજીકમાં જ જોવા મળ્યો છે. પ્રિમોન્સુનની કામગીરી ની વાત કરતા ખુદ વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના ચેરમેન ના જ વોર્ડ વિસ્તાર નજીક એટલે કે ખોડિયારનગરમા આવેલા ગોવિંદનગર સોસાયટી ખાતે છેલ્લા પંદર-વીસ દિવસથી પીવાનું ગંદુ અને ડહોળું પાણી આવી રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં મજૂરી કામ માટે આવીને રહેતા શ્રમજીવી પરિવારની મહિલા ચંદ્રિકાબેન બારીયાને ગતરોજ ઝાડા-ઉલટી થઇ ગયા હતા જેના કારણે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવને પગલે તેઓના પરિજનોએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા પંદર-વીસ દિવસથી અહીં ગંદુ પીવાનું પાણી આવતું હતું જેના કારણે ચંદ્રિકાબેન બારીયાને સાંજે ઝાડા ઉલટી થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાને પગલે મૃતક ની પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હજી ચોમાસાની શરૂઆત જ થઇ છે અને શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરોગના દવાખાના સહિત શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસો જેવાં કે કોલેરા, ઝાડા ઉલટી, ટાઇફોઇડ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે છતાં પાલિકા તંત્ર દ્વારા હજી સુધી કોઇ આરોગ્યની દિશામાં તટસ્થ કામગીરી શરૂ કરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ઘણાં વિસ્તારોમાં પીવાના પીણાની જૂની લાઇનો છે જેમાં કેટલીક જર્જરિત થઇ ચૂકી છે સાથે સાથે કેટલીક પીવાની પાણીની લાઇનો પાસેથી જ ડ્રેનેજની લાઇનો પણ પસાર થાય છે ઘણીવાર પીવાના પાણીની લાઇનમાં લિકેજથી દૂષિત પાણી ભળી જતું હોય છે. પાલિકા તંત્ર દરવર્ષે ડસ્ટબીન, તૈયાર રોડરસ્તાઓ પર રિસર્ફેસીંગ અથવાતો રિકાર્પેટીંગ પાછળ કરોડો રૂપિયાનું એંધાણ કરે છે પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં જૂની અને જર્જરિત પાણી અને ડ્રેનેજની લાઇનો હજી સુધી બદલાઇ નથી. બીજી તરફ કોન્ટ્રાક્ટરો પર પાલિકા તંત્ર નુ યોગ્ય મોનિટરિંગ ન હોઇ કે પછી ભ્રષ્ટાચાર કહો કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરતી વેળાએ પણ ઘણીવાર લાઇનોમા ભંગાણ સર્જાય છે જેને કામચલાઉ રીતે પૂરાણ કરી દેવામાં આવે છે જેથી ફરી વાર તેઓને કોન્ટ્રાક્ટ અને કામ મળે. બીજી તરફ ચોમાસામાં પાણી પૂરું પાડતા આજવા સરોવર તથા મહિ ફ્રેન્ડ વેલ ખાતે ચોમાસાની શરૂઆત થતાં ડહોળું પાણી આવતું હોય છે જ્યાં પાણી ફિલ્ટર પ્લાન્ટની તમામ તૈયારી તકેદારી ચોમાસાના આગમન પૂર્વે જ થવી જોઈએ સાથે સાથે શહેરમાં આવેલી પાણીની ટાંકીઓની સફાઇ પણ થવી જોઈએ પરંતુ આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ક્રિય રહેતા નિર્દોષ જનતાને ભોગવવું પડે છે.

Most Popular

To Top