Vadodara

સ્થળાંતરિત મતદારો માટે ’લક્ષ્યાંક-101’ ખાસ કેમ્પ યોજના: વડોદરામાં SIR ઝુંબેશ ઝડપે આગળ વધી

બીએલઓ અને સ્વયંસેવકો મદદ માટે હાજર, ડિજિટલ ફોર્મ સબમિશન સાથે તમામ 2576 મતદાન મથકોમાં સુવિધાઓ

વડોદરા

વડોદરા: શહેર અને જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશે ગતિ પકડી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધી 90 ટકા કરતાં વધુ ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ભરાયેલા ફોર્મસના સંગ્રહની કામગીરી પેરલલ રીતે આગળ વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં પ્રાપ્ત થયેલા તમામ ફોર્મનું ડિજિટાઈઝેશન તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યું છે.
ચૂંટણી તંત્રના જણાવ્યાં મુજબ, હવે આગામી તબક્કામાં શહેરના એવા 101 વિસ્તારોમાં ખાસ કેમ્પો યોજાશે, જ્યાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ વધારે છે. આ કેમ્પો દરેક વિસ્તારના શાળા કે સમુદાય ભવન ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન બીએલઓ અને સ્વયંસેવકો મતદારોને જરૂરી સહાય પૂરી પાડશે. ફોર્મ વિતરણ, માર્ગદર્શન, મેપિંગ અને ફોર્મ સબમિશનની તમામ પ્રક્રિયા સ્થળ પર જ હાથ ધરાશે, જેથી લોકોને લાંબી પ્રક્રિયા માટે ઈઆરઓ અથવા ડીઓ કાર્યોલય સુધી જવું ન પડે.
જિલ્લાના તમામ 2576 મતદાન મથકો માટે પણ અનુક્રમે આવા કેમ્પો યોજાશે. ચૂંટણી તંત્રના હેતુ મુજબ કોઈ પણ પાત્ર મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે માટે દરેક વોર્ડ સ્તરે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત, (DO) અને ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર કચેરીઓમાં વધારાના હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદારો પોતાના પ્રશ્નો અથવા મુશ્કેલીઓ અંગે તરત માર્ગદર્શન મેળવી શકશે.
અધિકારીઓ મુજબ, સ્થળાંતરિતો તથા નવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સમાજસેવી સંસ્થાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્રે મતદારોએ પોતાની વિગતો ચકાસવા તથા સુધારા માટે www.nvsp.in વેબસાઇટ કે ‘વીનીજ એપ’નો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે.

Most Popular

To Top