મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તા. 25 જુલાઈના રોજ યોજાશે
સ્થાયી સમિતિ બેઠકમાં ડ્રેનેજ, પાણી, ગટરના કામો સહિત અન્ય કામો અંગે નિર્ણય લેવાશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તા. 25 જુલાઈના રોજ સાંજના 4:30 કલાકે સમિતિખંડમાં યોજાવાની છે. જેમાં વિવિધ વિભાગોના કુલ 8 કામો નિર્ણય માટે રજૂ કરવામાં આવ્યા છે. ડ્રેનેજ શાખાના બે કામો અંતર્ગત દક્ષિણ ઝોનના વોર્ડ નં.17માં સુશેન પંપિંગ સ્ટેશન જતી મુખ્ય ડ્રેનેજ લાઈન પર પડેલા ભંગાણની તાત્કાલિક મરામત માટે મે. જે.એસ. કપ્તાન પાસેથી કરાવેલ રૂ.8.04 લાખ + GSTના ખર્ચની દરખાસ્ત રજૂ કરાઈ છે જેને સમિતિની જાણ માટે મૂકવામાં આવ્યું છે, જયારે ડ્રેનેજ પ્રેશરલાઈન રિપેરિંગના વાર્ષિક ઈજારામાં મે.ભાવિન એન્ટરપ્રાઈઝ માટે રૂ.30 લાખની મર્યાદામાં રૂ.10 લાખનો વધારો કરવાની ભલામણ પણ કમિશ્નરશ્રીએ કરી છે. સેન્ટ્રલ સ્ટોર શાખામાં અગ્નિશમક શાખાના કર્મચારીઓ માટે વર્ષ 2024-25ના બ્લોક પેટે યુનિફોર્મ ખરીદ કરવા માટે મે.પ્રિશા એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.25.29 લાખના સૌથી ઓછા દરે ખરીદીની મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે, જ્યારે ચુનાની ફાંક ખરીદીના કામે મે.એન.બી.એચ એજન્સી પાસેથી અગાઉના ટેન્ડર અંતર્ગત બાકી રહેલી રકમ રૂ.33.45 લાખની વધુ ખરીદી અને સમયાવધિમાં ત્રણ મહિના વધારો કરવાની ભલામણ પણ રજૂ કરવામાં આવી છે.
વધુમાં, પાણી પુરવઠા શાખામાં વહીવટી વોર્ડ નં.13 માટે નળિકા નિભાવણીના વાર્ષિક ઈજારામાં મે.જય ભોલે એન્ટરપ્રાઈઝનો 11.77% ઓછા દરનું ટેન્ડર રૂ.25 લાખની મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવશે. સ્ટ્રીટલાઈટ વિભાગના કામે શહેરના મુખ્ય રસ્તાઓ પર નવા સેન્ટ્રલ અને સાઇડ લાઈટિંગ માટે જરૂરી કેબલ ખરીદવા મે.રેઇનબો કેબલ ઈન્ડસ્ટ્રીઝનો રૂ.71.80 લાખના દરે ભાવપત્ર મંજુર કરવાની ભલામણની દરખાસ્ત પણ રજુ કરાઈ છે. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.11માં પશાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટરના કામે મેનિલમ કન્સ્ટ્રક્શનના 11.09% ઓછા દરના રૂ.44.33 લાખ + GSTના ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્ત પણ રજૂ કરાઈ છે.