Business

સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ કેલિફોર્નિયાથી રૂટ થયો હતો

તપાસમાં મોટો ખુલાસો: પોલીસને ગેરમાર્ગે દોરવા ગુજરાતીમાં મેઈલ કરાયા, શ્રીલંકાના ઈસ્ટર બ્લાસ્ટનો ઉલ્લેખ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ

વડોદરા: વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે તપાસ કરી રહેલી પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. કોર્ટને મળેલો ધમકીભર્યો ઈ-મેઈલ અમેરિકાના કેલિફોર્નિયાથી રૂટ થયો હોવાનું સામે આવ્યું છે.
ધમકી આપનાર તત્વોએ મેઈલમાં માત્ર વિસ્ફોટની વાત નથી કરી, પરંતુ એકસાથે અત્યંત ગંભીર એવા 19 બ્લાસ્ટ અને શ્રીલંકાના ઈસ્ટર આત્મઘાતી ઓપરેશનનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારના હાઈ-પ્રોફાઈલ આતંકી હુમલાઓના સંદર્ભ આપીને સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકવામાં આવ્યો છે.
​આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ઈ-મેઈલ ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે તપાસ કરનાર એજન્સીઓનું ધ્યાન ભટકાવવા અને એવું સાબિત કરવા માટે કે આ કોઈ સ્થાનિક વ્યક્તિનું કામ છે, જાણી જોઈને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ આ પ્રકારના ધમકીભર્યા મેઈલ યુરોપિયન દેશોના IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આરોપીઓ સતત લોકેશન બદલી રહ્યા છે.
​સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અત્યંત શાતિર છે. તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે નીચે મુજબની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે:
*​VPN: લોકેશન છુપાવવા માટે વિવિધ દેશોના સર્વરનો ઉપયોગ.
*​પ્રોક્સી સર્વર: ડેટાને રિ-રૂટ કરીને મૂળ એડ્રેસ છુપાવવાનો પ્રયાસ.
*​ડાર્ક વેબ: મેઈલ મોકલવા માટે સુરક્ષિત ગણાતા પ્લેટફોર્મની શોધ.

Most Popular

To Top