બોસ ગ્રુપના આઈડી પરથી અપલોડ વીડિયોમાં યુવક વિદેશી દારૂ સાથે રીલ બનાવતો નજરે પડ્યો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 10
વડોદરા શહેરના સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવક કારમાં તેમજ બીજી એક જગ્યા પર બેસીને ખુલ્લેઆમ વિદેશી શરાબની બોટલ ખોલી ગ્લાસમાં પેગ બનાવતો નજરે પડે છે. આ વીડિયોમાં યુવકની હરકતો જોઈ એવું લાગી રહ્યું છે કે જાણે તેને કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય અને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યો હોય.

સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં કેટલાક યુવક-યુવતીઓ સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરીને રીલ બનાવતા અને તેને જાહેર પ્લેટફોર્મ પર અપલોડ કરતા જોવા મળી રહ્યા છે. આવાં કિસ્સાઓમાં કાયદાની અવગણના કરી ખાખીધારીને પડકાર ફેંકવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. હાલ વાયરલ થયેલા વીડિયોમાં પણ એવો જ દ્રશ્ય જોવા મળે છે, જેમાં યુવક કારમાં વિદેશી શરાબની બોક્સ પેક બોટલ ખોલી પેગ બનાવે છે, જ્યારે બીજા વીડિયોમાં તે અન્ય સ્થળે બેસીને દારૂ પીતા દેખાય છે.

આ બંને વીડિયો ‘બોસ ગ્રુપ’ના આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયો વાયરલ થતાં જ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ચર્ચા મુજબ ખાખીધારીના કેટલાક કર્મીઓ આ યુવકથી પરિચિત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જે સમગ્ર મામલે વધુ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
હવે જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયા પર કાયદાને નેવે મૂકી ખુલ્લો પડકાર આપનાર આ યુવક સામે પોલીસ તંત્ર શું પગલાં ભરે છે.