રણોલીમાં 25 વર્ષીય યુવતીના મોતને લઈ રહસ્ય ઘૂંટાયું, આત્મ હત્યા કે હત્યા , પોલીસ તપાસ શરૂ
સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા યુવક સાથે લવ મેરેજ કર્યા બાદ રણોલીમાં દોઢ વર્ષથી રહેતી હતી, પિયરીયા દ્વારા હત્યા કરાઇ હોવાના આક્ષેપ
વડોદરા તા.3
સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા યુવક સાથે લવ મેરેજ કર્યા બાદ રણોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોતને લઈ રહસ્ય ઘૂંટાયું છે. સાસરી પક્ષે પુત્રવધુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે, ત્યારે મૃતકના પીયરીયાઓ દ્વારા તેમની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી નેન્સી વાદી (ઉંમર વર્ષ 25)ને સોશિયલ મીડિયાના માધ્યમથી રણોલી ખાતે રહેતા ભાવેશ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. જેથી બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા અને બંનેએ દોઢ વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા. છેલ્લા દોઢ વર્ષ પોતાના પતિ સાથે રહેતી હતી. દરમિયાન અઠવાડિયા પહેલા તેણીએ ફોન કરીને માતાને તેના પિતાની તબિયત સારી ન હોય એક અઠવાડિયા માટે રહેવા આવવાનું કહ્યું હતું. દરમિયાન 2 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે નેન્સી વાદીએ ગળે ફાંસી ખાઈને આપઘાત કરી લીધો હતો. જેની નેન્સીનાં પતિએ તેના સાસુ સસરાને ફોન કરી તેમની દીકરીની તબિયત લથડી હોય રણોલી બાદ એસએસજી હોસ્પિટલમા ખસેડાઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ શરૂઆતમાં તેમની દીકરી મરી ગઈ હોવાની વાત છુપાવી હતી. જેને લેઈને મૃતક યુવતીના સાસરી પક્ષ તથા પિયરીયા વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારે નેન્સી વાદીની માતા સહિતના પરિવારના સભ્યોએ તેમની દીકરીના ગળાના ભાગે નખોરિયા વાગ્યા સહિતના ઇજાના નિશાન હોય તેની હત્યા પતિ અને સાસરિયાઓ દ્વારા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી દીકરીના પિયરીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.