અગાઉ ડમ્પિંગ સાઇટ માટે દુર્ગંધ નાશક દવા ખરીદવામાં પણ ભાજપના યુવા નેતાને ઓર્ડર મળ્યો હતો
પાલિકા રૂ. 14.80 લાખની કિંમતનું 40 હજાર કિલો એરફ્રેશનર પાવડર ખરીદશે
વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાએ શહેરના વિવિધ વોર્ડમાં ઉપયોગ માટે અંદાજે રૂ. 14.80 લાખની કિંમતનું 40 હજાર કિલો એરફ્રેશનર પાવડર ખરીદ કરવાનો નિર્ણય લીધો છે. આ ખરીદી માટે બે ઇજારદારોએ ભાવપત્રક રજૂ કર્યાં હતાં, જેમાંથી મેસર્સ હરિ એન્ટરપ્રાઇસનો ભાવ સૌથી ઓછો એટલે રૂ. 37 પ્રતિ કિલો હતો. આ ખરીદીની મંજૂરી પાલિકાની પબ્લિક વર્ક્સ સમિતિએ આપી હતી. પાલિકાની અંદર થતી ચર્ચાઓ અનુસાર, જેમને ઇજારો આપવામાં આવ્યો છે તે વ્યક્તિ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા છે. પાલિકા લોબીમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે પક્ષ કાર્યાલયમાંથી મળેલા સૂચનાના આધારે આ સમગ્ર પ્રકિયા અંજામ આપવામાં આવી હતી જેથી નિયત વ્યક્તિને ફાયદો થાય.
સોલિડ વેસ્ટ શાખા મુજબ, વરસાદના સમયમાં કેટલાક વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ વધી જાય છે. તેથી આવા વિસ્તારમાં ટ્રાયલ બેઝ પર એરફ્રેશનર પાવડરનો ઉપયોગ કરવાની યોજના છે. આ પ્રકારની ખરીદી પહેલી વખત થઈ રહી છે અને હવે તાત્કાલિક ઓર્ડર આપીને તેનો જથ્થો વિતરણમાં મૂકાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડમ્પિંગ સાઇટ માટે દુર્ગંધ નાશક દવા ખરીદવામાં પણ ભાજપના યુવા નેતાને લાભ મળે તે રીતે ટેન્ડર ફાળવાયેલ હતું. હવે ફરી એક વખત તેવી જ રીતે કામગીરી થવા લગતી હોવાની ચર્ચા છે.