Vadodara

સોમા તળાવ શ્યામલ ડ્રીમમાં વીજ મીટરમાં આગ,ચિંગારીઓ નીકળતા રહીશોમાં ભયનો માહોલ

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા શ્યામલ ડ્રીમના વીજ મીટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વીજ મીટરમાંથી ધુમાડા અને ચિંગારીઓ નીકળતા સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે હવે આગ લાગવાના બનાવો પણ વધ્યા છે. મળતી માહિતી અનુસાર, શ્યામલ ડ્રીમ સોસાયટીના એક મીટરમાંથી શોર્ટ સર્કિટ બાદ ધુમાડા નીકળવા લાગ્યા અને તરત જ ચિંગારીઓ ફૂટવા માંડી હતી. જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને લઈ આસપાસના રહીશો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રથમ સોસાયટીના રહીશોએ અચાનક મીટરમાંથી ધુમાડો નીકળતો જોતા તાત્કાલિક મેન બોક્સમાંથી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. નહીં તો આગ વધુ ફેલાઈ હોત. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. વીજ મીટરમાં ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. આ ઘટનાથી સોસાયટીમાં થોડા કલાકો વીજ પુરવઠો ખોરવાયો હતો. રહેવાસીઓએ વીજ વિભાગ પાસે જૂના મીટરોની તપાસ અને નવા મીટરો લગાવવાની માંગ કરી છે.

Most Popular

To Top