સોમવારે શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 25 કિલોમીટરની રહેતા વાતાવરણમાં ઠંડક અનુભવાઇ

( પ્રતિનિધિ ( વડોદરા તા. 02
શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 25 કિલોમીટરની ઝડપે રહેતાં શહેરમાં ધૂળની ડમરીઓ સાથે ઠંકકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.
શહેરમાં વરસાદી માહોલ જામ્યો હોય તેમ સોમવારે વહેલી સવારથી જ શહેર માથે કાળાં ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા સાથે જ અલકાપુરી , રાવપુરા, સયાજીગંજ અને વાડી જેવા વિસ્તારોમાં અમીછાંટણા સાથે પવનની ઝડપ પ્રતિ કલાકે 20 થી 25 કિલોમીટરની રહેતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી સાથે જ રોડ રસ્તાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. રવિવારે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી તા.06 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ અરબી સમુદ્રમાં જે રીતે હાલમાં નવી કોઈ વરસાદની સિસ્ટમ નથી બની તેના કારણે રાજ્યમાં હજી વિધિવત ચોમાસાનું આગમન મોડું થશે. શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 28.2 નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં 59% રહેવા પામ્યું હતું.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ પશ્ચિમ થી ફૂંકાતા ગરમ પવનોને કારણે ચોમાસું આગળ વધતા મહારાષ્ટ્રમાં અટકી ગયું છે આગામી તા.8 થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદી શરુઆત થશે.આગામી તા.10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પ્રવેશે તેવી શક્યતા છે.હાલમા દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે.કેરળ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મુંબઇ, સિક્કિમ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદની શક્યતા છે.