ક્રોમેટિક લ્યુસિઝમ નામની જનીનિક સ્થિતિને કારણે રંગ બદલાયો :
1 વર્ષની અંદરનો આ કાચબો, તેનું માપ 7 ઈંચ અને મોઢા સાથે 10 ઈંચ છે. :
( પ્રતિનિધી )વડોદરા,તા.6
વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ હાઈવે ઉપરથી પ્રાણીપ્રેમી સંસ્થા દ્વારા અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપશેલ ટર્ટલને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાતના વડોદરમાંથી આ 7 મો કેસ નોંધાયો છે. હાલ વનવિભાગ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતાં તરસાલી બાયપાસ હાઇવે પાસેથી કાચબાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપ શેલ બેબી ટર્ટલનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટર રમેશ યાઈશે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના નજીકથી પસાર થતા હાઇવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટર્ટલ છે. જેને જીએસપીસીએ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘણો દુર્લભ પ્રજાતિનો કાચબો છે. ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. 25 થી 27 દિવસમાં આના પેપર વર્કનું ડિક્લેરેશન થશે. એક વર્ષની અંદરનો આ કાચબો છે તેનું માપ 7 ઈંચ છે. મોઢા સાથે જોઈએ તો 10 ઇંચ છે. સમગ્ર ઇન્ડિયામાંથી આવા દુર્લભ કાચબા મળેલા છે, તેમાંનો આ સાતમો કેસ છે. મહારાષ્ટ્ર રાજસ્થાનમાં અગાઉ મળેલા છે. અમારા રિસર્ચ અને સંશોધન પ્રમાણે ગુજરાતમાં આ પહેલો કેસ છે. આ સોનેરી કાચબા એ એક દુર્લભ અને અનોખી ઘટના છે. જેમાં કાચબાને સોનેરી રંગ મળે છે. આ સામાન્ય રીતે ક્રોમેટિક લ્યુસિઝમ નામની જનીનિક સ્થિતિને કારણે થાય છે, જેમાં કાચબાના શરીરમાં રંગદ્રવ્ય પિગમેન્ટ ઓછું હોય છે. સમગ્ર મામલે વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.