ગરબાડામાં બેઠક યોજાઈ; લગ્ન ખર્ચ ઘટાડીને સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ
ગરબાડા | તા. 08 ફેબ્રુઆરી, 2026
લગ્ન પ્રસંગોમાં સોના–ચાંદી સહિતના વધતા ખર્ચ સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બની રહ્યા હોવાનું માન્ય રાખીને ભીલ સમાજ પંચ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગરબાડા ખાતે યોજાયેલી ભીલ સમાજ પંચ ગરબાડા તાલુકાની બેઠકમાં સોના–ચાંદીના દાગીના સહિત લગ્નમાં થતા અનાવશ્યક ખર્ચ ઘટાડવા માટે નવું લગ્ન બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, ભીલ સમાજ પંચ પ્રમુખ શૈલેષ મખોડીયા, સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો તથા જિલ્લા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન દાહોદ જિલ્લા ભીલ સમાજ પંચ દ્વારા તૈયાર કરાયેલ લગ્ન બંધારણનું વિમોચન કરવામાં આવ્યું. આગેવાનોએ જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગોમાં સોના–ચાંદીના દાગીના, ભેટ-સોગાદ અને અન્ય દેખાદેખીના ખર્ચને કારણે સમાજનો મોટો વર્ગ દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યો છે, જે સમાજની પછાતતાનું મુખ્ય કારણ બની રહ્યું છે.

ચર્ચામાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો કે હાલ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લગ્નમાં લેવાતી આભૂષણોની માત્રા મર્યાદિત રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી સમાજના બાળકોનું શિક્ષણ અને પરિવારની આર્થિક સ્થિરતા જોખમમાં ન આવે.
નવા લગ્ન બંધારણનું અસરકારક અમલીકરણ થાય તે માટે આગામી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ મામલતદાર કચેરી, ગરબાડા સામેની વાડીમાં તાલુકાના તમામ ગામોના ફળિયાના આગેવાનો, સરપંચો, તાલુકા તથા જિલ્લા સભ્યો અને સમાજ હિતેચ્છુઓની વિશાળ બેઠક યોજવાની અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે સૌને રાજકારણથી ઉપર ઉઠીને સમાજહિતમાં સહભાગી થવા અને નવા લગ્ન બંધારણને સફળ બનાવવા સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: વનરાજ ભુરીયા