Vadodara

સોના-ચાંદીના ભાવમાં ‘મહાકડાકો’: ચાંદી એકઝટકે ₹31,000 સસ્તી થઈ, સોનામાં પણ ₹5,000નું ગાબડું

બજેટ અને વૈશ્વિક અસરોને પગલે કિંમતો તળિયે બેઠી; લગ્નસરાની મોસમમાં ગ્રાહકોને મળી મોટી રાહત, જ્વેલર્સ શોરૂમ પર પૂછપરછમાં ઉછાળો

વડોદરા: વૈશ્વિક બજાર અને બજેટ બાદની અસરોને પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે બજાર ખૂલતાની સાથે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો હતો, જેના કારણે ગ્રાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
MCX પર ચાંદીના ભાવમાં આજે બજાર ખૂલતાની સાથે જ ₹16,000નો ઘટાડો જોવા મળ્યો હતો. જો છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો, 1 કિલો ચાંદીના ભાવમાં ₹31,000થી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલમાં 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને ₹2,33,000ની આસપાસ પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં અંદાજે 12% જેટલો ઘટાડો નોંધાયો છે.
સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાના ભાવમાં અંદાજે 3.70%નો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાના ભાવમાં ₹5,000થી વધુનો કડાકો જોવા મળ્યો છે, જેના કારણે સોનું ગગડીને ₹1,36,950ની સપાટીએ પહોંચ્યું છે. વડોદરાના ગણદેવીકર જ્વેલર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા સાત દિવસમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹20,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
વડોદરાના પ્રખ્યાત સારા ગણદેવીકરના જ્વેલર્સના જણાવ્યા અનુસાર, ભાવ ઘટતાની સાથે જ ગ્રાહકોની પૂછપરછ વધી છે. લગ્નગાળાની સીઝન ચાલતી હોવાથી જે લોકો ભાવ વધારાને કારણે ખરીદી ટાળતા હતા, તેઓ હવે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે આ ભાવ ઘટાડો લાંબા ગાળે ગરાકીમાં વધારો લાવશે.
ગ્રાહકો પણ આ ઘટાડાને આવકારી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો જે સોનામાં રોકાણ કરવા માંગતા હતા, તેમના માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ રહી છે. નિષ્ણાતોના મતે, હાલમાં ભાવ નીચા આવ્યા હોવાથી ખરીદી માટે આ યોગ્ય સમય હોઈ શકે છે, કારણ કે આગામી સમયમાં ભાવ ફરી વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top