એક પરિવારના છ અને બીજા પરિવારના ત્રણ સભ્યો દોષિત જાહેર કરાયાં
સોજિત્રા તાલુકાના મલાતજ ગામના લક્ષ્મીપુરામાં સાતેક વર્ષ પહેલા જમીનના ઝઘડામાં બે પરિવાર વચ્ચે ધિંગાણું થયું હતું. આ અંગે પોલીસે બન્ને પક્ષે કુલ 19 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં 9 વ્યક્તિને દોષિત જાહેર કરી તેમને સજા ફટકારવામાં આવી છે.
મલાતજ ગામના લક્ષ્મીપુરા સીમમાં રહેતા નટુભાઈ પુંજાભાઈ પરમારની બાજુમાં શાંતીભાઈ બુધાભાઈ પરમારની જમીન આવેલી છે. જેઓના ખેતરમાંથી સિંચાઇ વિભાગની નહેર પસાર થતાં તે નહેરના પાળા ઉપર જવા માટે તેઓ બંને ખેતરની સરહદ ભેગી થાય છે. ત્યાં નહેરના પાળા પર જવાનો રસ્તો આવેલો છે. જે રસ્તા બાબતે ઝઘડો ચાલતો હતો. આ અંગે સિવિલ કોર્ટ, સોજિત્રામાં દાવો પણ કરાયો હતો. દરમિયાનમાં આ મુદ્દે 23મી સપ્ટેમ્બર,2017ના રોજ બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં ધારિયા, લાકડીથી સામસામે હુમલો કરતાં બન્ને પરિવારના સભ્યો ઘવાયાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસે દશરથભાઈની ફરિયાદ આધારે 11 વ્યક્તિ અને નટુભાઈની ફરિયાદ આધારે 8 વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ન્યાયધિશે એક પક્ષના છ અને બીજા પક્ષના ત્રણ વ્યક્તિ મળી કુલ નવ વ્યક્તિને દોષિત જાહેર કરી તેમને સજા ફટકારી હતી.
આ સજામાં ભરત ઉર્ફે પ્રકાશ માનસિંગ પરમાર, કાંતિ ઉર્ફે શાંતિ બુધા પરમાર, માનસિંગ ઉર્ફે પોપટ બુધા પરમાર, દશરથ શાંતિ પરમાર, ગુલાબ શાંતિ પરમાર, ઉમેશ ઉર્ફે જીગ્નેશ છોટા પરમારને ત્રણ વર્ષની કેદ તથા દરેકને રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ પંદર દિવસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે સામાપક્ષે નટુ પુંજા પરમારને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા, ઉમેદ નટુ પરમારને ચાર વર્ષની સાદી કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા તથા મનુ ગોરધન પરમારને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.બે હજારનો દંડ ફરમાવ્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.
સોજિત્રામાં જમીન મુદ્દે થયેલી મારામારીમાં 9ને કેદની સજા
By
Posted on