એક જ દિવસમાં ભાજપ ‘ભરોસાપાત્ર’ બની ગયું! ગઈકાલે જે પક્ષને રામ-રામ કર્યા હતા, આજે ત્યાં જ જઈને સલામ ઠોકી
વડોદરા: ચૂંટણીની મોસમમાં રાજકીય નેતાઓના પક્ષ પલટાનો સિલસિલો તેજ બન્યો છે, ત્યારે વડોદરાના સોખડામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. સોખડા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડે માત્ર 24 કલાકના ગાળામાં જ પોતાની રાજકીય દિશા બદલી નાખી છે. ગઈકાલે ભાજપ સામે ગંભીર આક્ષેપો કરી કોંગ્રેસમાં જોડાયેલા કિરણસિંહે આજે ફરી ભાજપમાં જોડાઈને સૌને ચોંકાવી દીધા છે.
બુધવારે કિરણસિંહ રાઠોડે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તે સમયે તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ભાજપ વિકાસના નામે શૂન્ય છે. લોકોનો ભરોસો તૂટ્યો છે અને નેતાઓ માત્ર એસી કેબિનમાં બેસી રહે છે, ગ્રાઉન્ડ પર કોઈ કામ થતું નથી.” તેમણે કોંગ્રેસને પોતાનું જૂનું ઘર ગણાવીને ‘ઘર વાપસી’ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
જોકે, કોંગ્રેસમાં જોડાયાના 24 કલાક પણ પૂર્ણ થયા ન હતા ત્યાં જ કિરણસિંહના સૂર બદલાયા હતા. ગુરુવારે તેમણે ફરી કેસરિયો ધારણ કરતા જણાવ્યું હતું કે, “ગઈકાલે કોંગ્રેસમાં જવું એ મારી મોટી ભૂલ હતી. કોંગ્રેસ માત્ર વાયદા કરે છે પણ પૂર્ણ નથી કરતી. મને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર પૂરેપૂરો ભરોસો છે.”
એક જ દિવસમાં નેતા દ્વારા લેવાયેલા યુ-ટર્નને કારણે સોખડા અને વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કિરણસિંહે ભાજપને ફરીથી વિકાસલક્ષી પક્ષ ગણાવતા કહ્યું કે ભાજપ હંમેશા નાના કાર્યકર્તાઓની ચિંતા કરે છે. આ પક્ષ પલટાને કારણે સોશિયલ મીડિયામાં પણ ‘આયારામ-ગયારામ’ના આ કિસ્સાની ભારે મજાક ઉડી રહી છે.