Vadodara

સેવાસી નજીક કબીર ફાર્મ પાછળના વિસ્તારના રહેવાસીઓની રોડ વિના ભયાવહ પરિસ્થિતિ

પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ
નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી અને કાદવ કીચડથી સ્થાનિકો ત્રાહીમામ

વડોદરા ,: શહેરમાં સેવાસી નજીક કબીર ફાર્મ પાછળના વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તાજેતરમાં જ ખાબકેલા થોડા વરસાદથી અહીં રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રસ્તાના અભાવે નજીવા વરસાદમાં અહીં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. વરસાદ બાદ કાદવ કીચડ પણ આખા માર્ગ પર જોવા મળે છે. આ તમામથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. ચોમાસામાં વધુ વરસાદ ખાબકે તો અહીં ઘરની બહાર નીકળું પણ મુશ્કેલ થઈ જતું હોવાનું સ્થાનિકોનું માનવું છે. આગામી ચોમાસા પહેલા થોડા અંશે અહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આમ તો વડોદરામાં કોર્પોરેશન દ્વારા જ્યાં જરૂર ન હોય તેવા રોડ પર પણ રિસરફેસ અને રિકારપેટિંગ કરી દેવામાં આવે છે. ઘણા કિસ્સામાં તો ખુદ સત્તા પક્ષના કોર્પોરેટર જ આવા ખોટા કામ થતા અટકાવવા પહોંચી જાય છે. પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત છે તેવા વિસ્તારમાં હજુ સુધી પાલિકા પહોંચી નથી શકી. સ્થાનિકોના મતે, ટેક્સ ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધા મળતી નથી. જો કે આ બાબતે જવાબદાર અધિકારીઓને ટેલિફોનીક સંપર્ક કરતા એકપણ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 500 અધિકારીઓ લગાવી દેનાર પાલિકા નાના પ્રશ્નો હલ કરવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે. કબીર ફાર્મ પાછળના આ માર્ગ પર ચોમાસા પહેલા નો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ શકે એમ છે. આ જ માર્ગ પર એક ખાનગી શાળા પણ આવેલી છે તેવામાં પાલિકાએ તાત્કાલિક ધોરણે રોડ જેવી પ્રાથમિક સુવિધા આપે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top