‘મંદિર અહીં જ જોઇશે’ સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુંકાર
ક્ષત્રિય સમાજના વડવાઓ દ્વારા અહીં મંદિર સ્થાપવામાં આવ્યું હતું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંનુ એક ગામ એટલે સેવાસી જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી વધુ જોવા મળે છે અહીં ક્ષત્રિય સમાજના વડવાઓ દ્વારા અહીં માતાજી તથા બળિયાદેવનુ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાં ક્ષત્રિય સમાજના લોકો તથા અન્ય લોકો પણ પૂજા કરતા આવ્યાં છે. હવે જ્યારે પાલિકામાં આ ગામનો સમાવેશ થયો છે ત્યારબાદ અહીં આ પૌરાણિક મંદિર કે જે ખુલ્લી જગ્યામાં દેરી સ્વરૂપે છે તેને તોડવાની હિલચાલ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાની વાતે ક્ષત્રિય સમાજના લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કોઇ પણ પ્રકારની નોટિસ હજી સુધી આપવામાં આવી નથી પરંતુ થોડાંક દિવસો અગાઉ મંદિર ની આસપાસ જે રીતે ઝાડ વિગેરે દૂર કરવામાં આવ્યા અને દેરી હટાવવાની હિલચાલ ચાલી રહી છે તે સંદર્ભે બુધવારે મંદિરના પૂજારી તથા સ્થાનિક ક્ષત્રિયો દ્વારા પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ મંદિર સેવાસી ગામમાં આવેલું છે. મારો જન્મ પણ થયો ન હતો તે પહેલાનું છે બાપ દાદાના સમયનું પૌરાણિક મંદિર છે જ્યાં ક્ષત્રિય સમાજ ભગવાનની સેવા કરતું આવ્યું છે. અમને મોત આવી જાય તો પણ આ મંદિર અહીંથી હટવા નહીં દઇએ.
-સપના કાંતિભાઇ સોલંકી-સ્થાનિક
પાલિકા તંત્ર દ્વારા કોઇ કાગળ કે નોટિસ તો નથી આપી પરંતુ ગમે ત્યારે મંદિર તોડીપાડવાની હિલચાલ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પૌરાણિક મંદિર છે અમે કોઇપણ સંજોગોમાં મંદિર અહીંથી હટવા નહીં દઇએ.
-મહેશભાઇ સોલંકી-સ્થાનિક