Vadodara

સેન્ટ્રલ જીએસટીના કેસો ભારત સરકાર વતી લડવા માટે અનિલ દેસાઇની નિમણૂક

એડવોકેટ અનિલ દેસાઇ વડોદરા જિલ્લા સહિત આણંદ,ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,, ભરુચ તથા નર્મદા જિલ્લાના કેસો લડશે

(પ્રતિનિધિ) વડોદરા તા.30

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા સેન્ટ્રલ જી.એસ.ટી. કાયદા હેઠળના કેસો ભારત સરકાર તરફથી લડવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વડોદરા જિલ્લાના સરકારી વકીલ અનિલકુમાર મગનભાઈ દેસાઇની નિમણૂક કરાઇ છે.

તાજેતરમાં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સેન્ટ્રલ જી.એસ.ટી., કમિશનરેટ-1 તથા 2, વડોદરાના સેન્ટ્રલ જી.એસ.ટી. કાયદા હેઠળના કેસો ભારત સરકાર તરફે લડવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વડોદરા જીલ્લો તેમજ આણંદ, ખેડા ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ તથા નર્મદા જિલ્લાના કેસો લડવા માટે નિમણૂંક કરી છે.આમ જિલ્લા સરકારી વકીલ, વડોદરા તરીકે કોર્ટ કાર્યવાહી કરવાની કામગીરીને ગુજરાત સરકાર તથા ભારત સરકાર મારફતે બિરદાવવામાં આવ્યા છે. જે બદલ વડોદરા જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઇએ ગુજરાત સરકારનો તેમજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો આભાર વ્યક્ત કર્યો છે.

અનિલકુમાર મગનલાલ દેસાઈ છેલ્લા છ વર્ષથી જીલ્લા સરકારી વકીલ તરીકે વડોદરા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કામગીરી કરે છે. ગુજરાત સરકાર દ્વારા જીલ્લા સરકારી વકીલ તરીકે નિમણૂંક કર્યા બાદ સરકારની તરફેણમાં ઘણા બધા કેસોમાં હુકમો તેમણે મેળવેલા છે તેમજ જે તે વખતના દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના કેસો લડવા માટે અનિલ દેસાઇને સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વર્ષ 2022માં નિમણૂંક કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ભાયલી ગેંગરેપ કેસ, હરણી બોટ કાંડ, પ્રશાંત ઉપાધ્યાય રેપ કેસ, પ્રોહીબિશનના કેસો તેમજ સ્ટેટ જી.એસ.ટી. વડોદરાના કેસો ચલાવવા માટે સ્પે.પ્રોસીક્યુટર તરીકે નિમણૂંક કરી છે.

Most Popular

To Top