આવતી કાલે બપોરે 3:08 વાગ્યે સંક્રાંતિ બેસશે; ષટતિલા એકાદશીના સંયોગે તલના છ પ્રકારે મહિમા સાથે પુણ્યનું ભાથું બાંધશે શ્રદ્ધાળુઓ
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને ઉમંગના પર્વ મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષી નયનભાઈ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, 14 જાન્યુઆરીએ સૂર્યદેવ ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરશે, જેની સાથે જ કમુરતા પૂર્ણ થશે અને મકરસંક્રાંતિનો પ્રારંભ થશે. આ વર્ષે સંક્રાંતિની સાથે ‘ષટતિલા એકાદશી’નો સમન્વય થતો હોવાથી તલના ઉપયોગ અને દાનનું મહત્વ અનેકગણું વધી ગયું છે.
સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર એટલે ‘સંક્રાંતિ’. કાલે બપોરે 3 કલાક અને 8 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, વર્ષ બે આયનોમાં વહેંચાયેલું છે. જેમાં 14 જાન્યુઆરીથી 14 જુલાઈ સુધીનો સમય ‘ઉત્તરાયણ’ અને 15 જુલાઈથી 14 જાન્યુઆરી સુધીનો સમય ‘દક્ષિણાયન’ કહેવાય છે. કાલથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરશે, જે દેવતાઓના દિવસ સમાન ગણાય છે.
મકરસંક્રાંતિના દિવસે ગૌમાતાની પૂજા કરી ગોળ અને ઘાસચારો ખવડાવવો અત્યંત શુભ છે. આ ઉપરાંત, તાંબાના લોટામાં સફેદ તલ ભરી દક્ષિણા સાથે શિવ મંદિરમાં અર્પણ કરવાથી ગ્રહદોષ નિવારે છે. જરૂરિયાતમંદ બાળકો અને ગરીબોને તલના લાડુ, વસ્ત્ર, શેરડી, પતંગ અને દોરાનું વિતરણ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
– પુણ્યકાળનો સમય અને તલનો મહિમા
આવતી કાલે દાન-પુણ્ય માટે બપોરે 3:08 થી સૂર્યાસ્ત સુધીનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ષટતિલા એકાદશી હોવાથી શાસ્ત્રોમાં તલના છ પ્રકારે ઉપયોગનો મહિમા જણાવાયો છે:
*તલ મિશ્રિત પાણીથી સ્નાન.
*શરીર પર તલના તેલનું મર્દન.
*તલ દ્વારા યજ્ઞ-હોમ.
*તલ મિશ્રિત જળનું પાન.
*તલનું ભોજન.
*તલનું દાન કરવું.
– રાશિ ફળ: કોના માટે સંક્રાંતિ કેવી રહેશે?
*સાવધાન રહેવું: કુંભ, મીન, મેષ અને સિંહ રાશિના જાતકોએ આ સમયે સાવચેતી રાખવી જરૂરી છે.
*શુભ ફળ: વૃષભ, કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન ભાગ્યશાળી અને શુભ સાબિત થશે.
*મિશ્ર ફળ: બાકીની અન્ય રાશિઓ માટે આ સમય મધ્યમ એટલે કે મિત્ર ફળ પ્રાપ્ત કરાવનારો રહેશે.
– શું દાન કરશો? ઉત્તરાયણના વિશેષ ઉપાયો…
1.ગાયો માટે: લીલું ઘાસ અને ગોળનું દાન સર્વશ્રેષ્ઠ.
2.શિવ પૂજા: તાંબાના પાત્રમાં સફેદ તલ ભરી શિવાર્પણ કરવું.
3.સેવા કાર્ય: વસ્ત્ર દાન અને પતંગ-દોરાનું વિતરણ બાળકોમાં ખુશી લાવશે.
4.આરોગ્ય માટે: આ દિવસે તલ-ગોળ ખાવાથી આયુર્વેદિક દ્રષ્ટિએ પણ સ્વાસ્થ્ય સારું રહે છે.