વડોદરા: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેજ પંપિંગ સ્ટેશનની પાછળની બાજુએ દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. ડ્રેનેજ લાઈનમાં મુકેલા પથ્થર પરથી પગ લપસતાં દિપક દેવીપુજક નામનો યુવાન ગટરની ખાલી ચેમ્બરમાં ખાબકી ગયો હતો. દુર્ઘટના દરમ્યાન યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
દિપક પરિવારનો એકમાત્ર પુત્ર હતો, જેના મોતથી સમગ્ર પરિવાર પર દુઃખનું વાયુમંડળ છવાઈ ગયું છે. ચેમ્બરમાં યુવક પડ્યો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ યુવકને બહાર કાઢ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
ઘટનાને પગલે આસપાસના લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ડીસીપી અને એસીપી સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહીને તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન રાહત કામગીરી માટે આવેલી ફાયર બ્રિગેડની એક ગાડી દૂષિત પાણીના ખાડામાં ખાબકી ગઈ હતી.