ઓક્સિજનની ઉણપ કે પછી કોઇ કેમિકલના કારણે મૃત્યુ થયા છે તે તપાસનો વિષય
વડોદરા: શહેરના ગોત્રી તળાવમાં અચાનક હજ્જારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યાં છે. જેના કારણે તળાવ ફરતે દુર્ગંધ ફેલાઈ છે. માછલીઓના મોત પાછળ ઓક્સિજનની ઉણપ અથવાતો કોઇ કેમિકલથી આ બનાવ બન્યો છે તે તપાસનો વિષય છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દેવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી અને નિભાવણી અંગે પાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન અને નિષ્ક્રિય રહેતાં અવારનવાર સૂરસાગર તળાવ હોય કે કમલાનગર તળાવ અને હવે ગોત્રી તળાવમાં અચાનક હજ્જારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજ્યાં છે.
શહેરના ગોત્રી પાણીની ટાંકી નજીક આવેલા ગોત્રી તળાવમાં સવારે હજ્જારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજતાં તળાવની આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે.આસપાસના લોકો પણ આટલી બધી એકસાથે માછલીઓના મોતથી સ્તબ્ધ થઇ ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા તળાવ ફરતે ઓક્સિજન માટેની વ્યવસ્થામાં ખામીને કારણે આ માછલીઓના મોત નિપજ્યાં છે કે પછી કોઇ કેમિકલના કારણે મૃત્યુ પામી છે તે તપાસનો વિષય છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા લાખ્ખોના ખર્ચ કરીને તળાવોના બ્યુટિફિકિશન બાદ ત્યાં સીસીટીવી કેમેરા, સુરક્ષા વ્યવસ્થા કે પછી ઓક્સિજન પંપોની ચકાસણી માં નિષ્ફળ રહ્યું છે . સાથે જ તળાવમાં અન્ય પાણીની લાઇન તો નથી ખોલવામાં આવી રહી તે તમામ બાબતોની તપાસ હાથ ધરવી જોઈએ.
