Vadodara

સુરક્ષાના સાધનો વગર ડ્રેનેજ ની અંદર કામ કરાવતા વડોદરા મહાપાલિકાના કોન્ટ્રાક્ટર

સરકારના આદેશનું VMC ના કોન્ટ્રાક્ટરો દ્વારા ઉલ્લંઘન

વડોદરામાં તાપમાન 40 ડિગ્રી પાર, બપોરે 1 થી 4 વચ્ચે શ્રમિકોને કામ પર નહીં લગાવવાના સરકારના આદેશનું ઉલ્લંઘન

વડોદરા : તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આ તીવ્ર ગરમીમાં ખાસ કરીને ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે જૂન 2025 સુધી બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ખુલ્લા તાપમાં કામ ન કરાવવાનો કડક આદેશ બહાર પાડ્યો છે. આ સમયગાળા દરમિયાન તાપમાન અને તીવ્ર ગરમીને કારણે શ્રમિકોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો આ આદેશની અવગણતા ગરમીના આકરા તાપમાં બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકોને ડ્રેનેજ સાફ કરાવવાનું કામ કરાવી રહ્યા છે. આ વિસ્તારમાં શ્રમિકોને સુરક્ષાના કોઈ પણ સાધનો આપવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટર જયેશભાઈ, જેમણે આ કામ કરાવવાનું સોંપાયું હતું, તેમણે જણાવ્યું કે “આ તાપમાન થોડું ઓછું છે, અને કામ તો કરવું જ પડશે.” તેમ છતાં, આ જવાબથી સ્પષ્ટ થાય છે કે તેઓ શ્રમિકોની સલામતીને ગંભીરતાથી લેતા નથી.
ગરમીના આ તીવ્ર પ્રભાવ હેઠળ શ્રમિકો ચક્કર આવવા, બેભાન થવા અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી શકે છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિઓમાં અનેક વખત આ પ્રકારના કિસ્સાઓ નોંધાયા છે. આ સ્થિતિમાં શ્રમિકોની સુરક્ષા માટે સરકારના આદેશનું પાલન કરાવવું અત્યંત જરૂરી છે.
આ મામલે ગુજરાત મિત્રના પ્રતિનિધિઓએ કોન્ટ્રાક્ટર જયેશભાઈ સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમણે જવાબ આપવાનું ટાળ્યું અને ફોન પર લાગ્યા રહ્યા. વડોદરા પાલિકા તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉનાળાની તીવ્ર ગરમી અને અગનવર્ષા વચ્ચે આ પ્રકારની કામગીરી શ્રમિકોની સલામતી માટે જોખમી સાબિત થઈ રહી છે.

સરકારની જવાબદારી અને શ્રમિકોની સુરક્ષા
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ પગલાં શ્રમિકોની રક્ષા માટે અત્યંત જરૂરી છે. બપોરે તાપમાન વધે ત્યારે શ્રમિકોને આરામ અને સુરક્ષિત વાતાવરણમાં રાખવું એ સરકાર અને નોકરીદાતાઓની જવાબદારી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે માનવ અધિકારોના ઉલ્લંઘન સમાન બની શકે છે.
પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરશે ?

વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. શ્રમિકોને પૂરતી પાણી, છત્રી અને સુરક્ષા સાધનો પૂરા પાડવા જોઈએ. તાપમાન વધતા તાપમાનમાં કામ કરાવવાનું તાત્કાલિક બંધ કરવું જરૂરી છે. આ રીતે જ શ્રમિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકે છે. વડોદરા મહાનગરપાલિકા હવે કોન્ટ્રાક્ટર પર કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું.

Most Popular

To Top