Vadodara

સુભાનપુરામાં પાલિકાના કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી પશુ છોડાવી જનાર માલધારી ઝડપાયો

**


*સુભાનપુરા વિસ્તારમાં ગાયો છોડાવવા માટે માતા પુત્ર દ્વારા ઢોર શાખાની ટીમ સાથે ઘર્ષણ કરાયું હતું*


*પોલીસની હાજરીમાં પશુપાલક અને તેની માતા દોરી કાપી પોતાના પશુઓને દાદાગીરી કરી છોડાવી ગયા હતા*


(પ્રતિનિધિ) વડોદરા તા.11

વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખાના કેટલ ઇન્સ્પેકટર પોલીસ બંદોબસ્ત સાથે ગત તા.09 ના રોજ દસ વાગ્યે સુભાનપુરા ટાંકી પાસેથી બે રખડતાં પશુ (ગાય) પકડી સુભાનપુરા પાણીની ટાંકી પાસે તથા અર્બુદાનગર પાસે બાંધી હતી. જેને પશુ માલિક તથા તેની માતા દ્વારા દોરડું કાપી દાદાગીરી કરીને છોડાવી જતાં સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ માલિકને ઝડપી પાડ્યો હતો.

શહેરમાં રખડતાં પશુઓનો તથા પશુપાલકોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે.શહેરમા રખડતાં પશુઓ મૂકીને પશુ પાલકો રાહદારીઓ, ,.વાહનદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે . જ્યારે પાલિકાના ઢોર શાખાના કર્મીઓ આવા રખડતાં પશુઓને પકડે છે ત્યારે પશુપાલકો દ્વારા દાદાગીરી કરીને ઘણીવાર ઘર્ષણમાં ઉતરીને પોતાના પશુઓને છોડાવી જતાં હોય છે.આવો જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના વડસર વિસ્તારમાં રહેતા અમીતભાઇ જેઓ વડોદરા મહાનગરપાલિકામાં કેટલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ પોલીસ બંદોબસ્ત સાથે રખડતાં પશુઓને પકડવાની કામગીરી માટે નિકળ્યા હતા. તે દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં બીએસએનએલની ઓફીસ કંપાઉન્ડમાં રખડતાં પશુઓ ફરતા હોઇ ટીમ સાથે સુભાનપુરા પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા જ્યાં કેટલાક રખડતાં પશુઓ હોય પશુ માલિક ભાવેશભાઇ ફૂલાભાઇ રબારી રખડતાં પશુઓને ભગાડવા લાગ્યા હતા. પરંતુ પાલિકાના ઢોર શાખાની ટીમે બે રખડતાં પશુઓ (ગાય) ને પકડી લીધી હતી અને એક પશુ ને અર્બુદાનગર અને બીજા પશુને સુભાનપુરા પાણીની ટાંકી પાસે બાંધી હતી. તે દરમિયાન પોલીસની હાજરીમાં પશુ માલિક ભાવેશભાઇ રબારીએ તથા તેમની માતાએ દાદાગીરી કરીને બાંધેલા પશુઓના દોરડા કાપીને પશુઓને ભગાડી ગયા હતા.ત્યારબાદ બીએસએનએલ ની ઓફીસ પાસે રખડતાં પશુઓ હોય પાલિકાના ઢોર શાખાની ટીમે બીજી ટીમને બોલાવી પોલીસ ટીમને ફોન કર્યો હતો. પરંતુ બીજી ટીમ અને પોલીસ સામે પણ આ માથાભારે પશુ માલિક ભાવેશભાઇ રબારીએ કામગીરીમાં દખલ કરી રૂકાવટ ઉભી કરતા તેઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભાવેશભાઇ ફૂલાભાઇ રબારી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top