ફતેપુરાથી પરત ફરતા કંકાસિયા વળાંક પાસે બલેનો કાર વૃક્ષ સાથે અથડાઈ
(પ્રતિનિધિ) સુખસર, તા.14
ફતેપુરા–સુખસર માર્ગ પર શુક્રવાર સાંજના સમયે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું દુઃખદ અવસાન થયું છે. ફતેપુરાથી પોતાના કબજાની બલેનો કારમાં પરત સુખસર આવી રહેલા કોન્સ્ટેબલ કંકાસિયા ગામ નજીકના વળાંક પર વાહન પરથી કાબૂ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુખસર તાલુકાના ઝાબપૂર્વ ગામના વતની જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે કોઈક કામ અર્થે તેઓ ફતેપુરા ગયા હતા અને સાંજના લગભગ છ વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતા. કંકાસિયા વળાંક પાસે પહોંચતા તેમની બલેનો કાર અચાનક નિયંત્રણ બહાર જઈ રોડની સાઈડમાં આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી, જેના કારણે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. કારના દરવાજા ફસાઈ જતાં, લોખંડના સળિયાની મદદથી દરવાજો તોડી ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને બહાર કાઢવામાં આવ્યા હતા. દેખાવમાં બહારથી મોટી ઈજાઓ ન જણાતી હોવા છતાં આંતરિક રીતે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ફતેપુરા સરકારી દવાખાનામાં ખસેડાયા હતા, જ્યાંથી સિટી સ્કેન માટે ઝાલોદ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ગંભીર આંતરિક ઇજાઓના કારણે સારવાર પહેલાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ કરુણ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સુખસર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી