Sukhsar

સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ


કરોડો ખર્ચાયા, પરંતુ એક પણ ગામે નળમાં પાણી નહીં — કાગળ પર સફળતા, જમીન પર શૂન્ય પરિણામ
( પ્રતિનિધિ ) સુખસર તા.21
સરકારી એટલે કે પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ નાગરિકોની દીર્ઘકાલીન સુખાકારી માટે થવો જોઈએ, પરંતુ દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગેરવહીવટના કારણે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ઘેરઘેર પીવાનું પાણી પહોંચાડવાના ઉદ્દેશથી મોટા ઉપાડે યોજના શરૂ કરવામાં આવી હતી. સરકારી ચોપડામાં કરોડો રૂપિયાનું ખર્ચ દર્શાવાયું છે, છતાં આજદિન સુધી તાલુકાના એકપણ ગામમાં નળ દ્વારા પાણી પહોંચ્યું નથી.
પાઇપલાઇન, ચોકડીઓ અને ટાંકીઓ—પરંતુ પાણી ક્યાં?

યોજનામાં દેખાવ પૂરતા કામ થયા હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. કેટલાક ગામોમાં ફળિયાઓમાં પાઇપલાઇન જ નાખવામાં આવી નથી, તો ક્યાંક ઘરઘેર નળ બેસાડીને ચોકડીઓ બનાવી દેવાઈ છે—પરંતુ પાણીનો સ્ત્રોત, જોડાણ કે પુરવઠાની વ્યવસ્થા વિના. અનેક સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે મોટી પાણીની ટાંકીઓ ઊભી કરવામાં આવી, પરંતુ આજદિન સુધી તેમાં એક ટીપું પાણી ભરાયું નથી. કેટલાક ગામોમાં બેસાડેલા નળ પણ તૂટી ગયા છે.
ખોટી ખરાઇ અને બિલિંગ—પાણી વગર પાણી વેરો!

આક્ષેપ છે કે કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા “પાણી શરૂ થયું” તેવી ગેરકાયદેસર ખરાઇ આપી કોન્ટ્રાક્ટરો સાથે મેળાપીપણાથી બિલ પાસ કરાવાયા. પરિણામે કરોડો રૂપિયા હડપ થઈ ગયા. વધુ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં પાણી મળતું નથી, ત્યાં પણ ઘરવેરા સાથે પાણી વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે.
રજૂઆતો છતાં તંત્ર મૌન

તાલુકા અને જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો થઈ હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા હોવાની ફરિયાદો છે. સ્થાનિકોથી લઈને જિલ્લા સ્તર સુધી સૌને યોજનાની નિષ્ફળતાની જાણ હોવા છતાં અસરકારક તપાસ કે કાર્યવાહી હાથ ધરાઈ નથી—એવો સવાલ જનતામાં ગુંજાઈ રહ્યો છે.
જનતાની માંગ: નિષ્પક્ષ તપાસ અને નાણાંની વસુલાત
સુખસર તાલુકાની પ્રજા માંગ કરે છે કે યોજનામાં સીધા કે આડકતરી રીતે જવાબદાર સરપંચો, કોન્ટ્રાક્ટરો અને લાગતા-વળગતા અધિકારીઓ સામે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે. કસુરવારોથી નાણાંની વસુલાત, કાયદેસર કાર્યવાહી અને દંડાત્મક પગલાં લેવામાં આવે—ત્યારે જ પ્ર| સ્થાનિકોની વેદના
“ત્રણ વર્ષ પહેલા પાઇપલાઇન નાખી, પરંતુ આજદિન સુધી નળમાં પાણી આવ્યું નથી. ક્યાંક પાઇપ જ નથી. રજૂઆતો કરી, કોઈ સાંભળતું નથી.”
— વિક્રમભાઈ કનુભાઈ બારીયા, હિંદોલીયા (સ્થાનિક)
“કાળીયા ગામમાં મોટી ટાંકી બની, નળ બેસાડ્યા—પણ પાણી નથી. પાણી વેરો લેવાય છે, નળ તૂટી ગયા. હવે આશા પણ નથી.”
— પ્રદીપભાઈ લાલસિંગભાઈ મછાર, કાળીયા (સ્થાનિક)

Most Popular

To Top