Sukhsar

સુખસર તથા આફવા સબ સેન્ટર ખાતે ટીબીના શંકાસ્પદ દર્દીઓની એક્સ-રે તપાસ

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત કામગીરી

(પ્રતિનિધિ) સુખસર, તા.14
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે સુખસર તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુખસર સી.એચ.સી.ના સબ સેન્ટર ખાતે તા. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ ટીબીના શંકાસ્પદ દર્દીઓ માટે વિશેષ એક્સ-રે તપાસ ઝુંબેશ યોજાઈ હતી.

આ ઝુંબેશ દરમિયાન વિવિધ કેટેગરીના અંદાજે 200 જેટલા શંકાસ્પદ દર્દીઓની પોર્ટેબલ એક્સ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા, ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ અમલિયાર, તેમજ આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. તેજસ રાણા અને ડૉ. હિમાનીબેનના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સઘન આરોગ્ય કાર્યક્રમમાં માત્ર ટીબીની તપાસ પૂરતી મર્યાદિત ન રાખતા, લાભાર્થીઓના સર્વાંગી આરોગ્યને ધ્યાનમાં રાખીને ઊંચાઈ, વજન અને એન.સી.ડી. (બિન-ચેપી રોગો) માટેનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કુલ 200 દર્દીઓનું એન.સી.ડી. સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રકારની ઝુંબેશથી ટીબીની વહેલી ઓળખ શક્ય બનશે તેમજ દર્દીઓને સમયસર સારવાર મળી શકે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top