Sukhsar

સુખસરના બલૈયા ક્રોસિંગ પાસે બુલેટ–ઇકો કાર વચ્ચે અકસ્માત

બુલેટ સવાર બે યુવાનોને માથા–મોઢા અને પગે ગંભીર ઇજાઓ
(પ્રતિનિધિ) સુખસર | તા. 3
સુખસર પંથકમાં વધતા જતા વાહન અકસ્માતોની કડીમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શનિવારે સાંજે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બલૈયા ક્રોસિંગ પાસે બુલેટ મોટરસાયકલ અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સુખસરના બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસરના વતની જાવેદભાઈ નિશારભાઈ બુઢ્ઢા (ઉ.વ. આશરે 28) પોતાની બુલેટ મોટરસાયકલ નં. GJ-20 BL-7171 પર સંતરામપુર તરફથી પરત સુખસર આવી રહ્યા હતા. તે સમયે બલૈયા ક્રોસિંગ પાસે સામેથી આવતી ઇકો કાર નં. GJ-20 AH-8631ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બુલેટને અડફેટમાં લીધી હતી.
અકસ્માતમાં જાવેદભાઈને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા ગોવિંદભાઈ કલાભાઈ સંગાડા (ઉ.વ. આશરે 32)ને પગે ગંભીર ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી બંને ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. ઇજાઓ ગંભીર હોવાને કારણે બંનેને વધુ સારવાર માટે ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
સુખસર પોલીસે ઇકો કાર કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ વિસ્તારમાં વાહનચાલકોમાં સાવચેતી રાખવાની ફરી એકવાર જરૂરિયાત ઊભી થઈ છે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top