બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર; ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, વરણામા પોલીસ તપાસમાં જોડાઈ
વડોદરા, તા. 29:
વડોદરા શહેરના છેવાડે સુંદરપુરા ગામ તરફ જતા રોડ પર બે બાઈક સવારો વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 55 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સામેલ બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની માહિતી મળતા વરણામા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.