Vadodara

સીબીએસઈ : બીજા દિવસે બંને ધોરણના પસંદગી કરાયેલા વિષયની પરીક્ષા

હવે શરૂ થશે સાચી કસોટી : આગામી 20 અને 21 થી અઘરા વિષયના પેપર :

રજાઓની ભેટ : અઘરા વિષયોમાં સ્કોર કરવા માટેની સુવર્ણ તક મળશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ધો.10ના પ્રથમ પેપરે કેટલાક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા હતા. જ્યારે ધો.12નું પેપર સરળ રહ્યું હતું. બીજા દિવસે બંને ધોરણના પસંદગી કરાયેલા વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં હોમ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશનનો સમાવેશ થાય છે. જ્યારે, હવેથી બંને ધોરણોના અઘરા પેપરોની શરૂઆત થશે. જ્યારે આ વખતે રજા આવતી હોવાથી વિદ્યાર્થીઓને અઘરા વિષયોમાં સ્કોર કરવાની તક મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12 ની મંગળવાર થી પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રારંભના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સ્વસ્થ અને આત્મવિશ્વાસથી સભર જણાયા હતા. બંને ધોરણના પ્રથમ પેપર મધ્યમ રહ્યા હતા. જ્યારે પ્રથમ વખત પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, હવે વિદ્યાર્થીઓની કપરી કસોટી શરૂ થશે. ધોરણ 10 અને 12 ની તારીખ 20 અને 21 ફેબ્રુઆરીથી અઘરા પેપરોની પરીક્ષા શરૂ થઈ છે. અંગ્રેજી અને ફિઝિક્સ સહિતના વિષયો માટેની પરિક્ષા લેવાશે. જોકે આ વખતે બંને ધોરણના વિદ્યાર્થીઓને અઘરા વિષયો માટેની તૈયારી કરવા રજા આવતી હોવાથી પૂરતો સમય મળી રહેશે. જોકે હાલ શહેરમાં બોર્ડની પરીક્ષાઓ વચ્ચે ગરમીનો પારો પણ ધીમે ધીમે ઊંચે ચડી રહ્યો છે. ત્યારે, તબીબો દ્વારા પરિક્ષાર્થીઓને બહારનો ખોરાક ટાળવા અને લીંબુ શરબત સહિતના વિટામિન યુક્ત પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. સીબીએસઈની સાથે સાથે આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પણ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધો.10ની 156 સ્થળો પર 1529 બ્લોકમાં 44,581 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12માં સા.પ્રવાહમાં 73 પરીક્ષા કેન્દ્રોના 673 બ્લોકમાં 20,873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહમાં 38 પરીક્ષા કેન્દ્ર પર 370 બ્લોકમાં 7214 વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ધોરણ 10 અને 12ના 267 પરીક્ષા કેન્દ્રો ના 2,572 બ્લોકમાં કુલ 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.


સમયસર આયોજન સફળતાની ચાવી સારી તૈયારી તે છે જે આયોજન સાથે થાય :

વાંચન અભ્યાસ સમયસર શરૂ કરો રોજ થોડું લખો, મુશ્કેલ વિષયો પહેલા સમજો, પ્રેક્ટિસ પેપર કરો અને સૌથી મહત્વનું એ છે કે, દરરોજ રિવિઝન કરો. જે પણ તમે આખા દિવસમાં વાંચ્યું છે તેને 30 મીનીટ મનોમંથન કરો. જ્યાં તમને લાગે કે પ્રશ્નનો જવાબ અધુરો આવડે છે, તો ફરી એ પ્રશ્નનો ઉત્તર વાંચીને તરતજ એ ઉતર તમારી નોટબુકમાં મોંઢે લખવાનો પ્રયત્ન કરો. અને જ્યાં સુધી તમને ખાતરી નાં થાય ત્યાં સુધી એ કાર્ય કરતા રહો. : નિરવ જોષી,એજ્યુકેશન એક્સપર્ટ

Most Popular

To Top