Vadodara

સીએલ’ પૂરી કરવાની હોડમાં વહીવટી તંત્ર ઠપ્પ

વડોદરાની સરકારી કચેરીઓમાં સ્ટાફના નામે ‘શૂન્યતા’, અરજદારોને ધક્કા
વડોદરા: વર્ષ 2025ના અંતિમ દિવસો નજીક આવતા જ વડોદરા સહિત રાજ્યભરની સરકારી, અર્ધ-સરકારી, સહકારી અને ખાનગી કચેરીઓમાં અજોડ સન્નાટો છવાઈ ગયો છે. કારણ છે—31 ડિસેમ્બર સાથે જ લૅપ્સ થતી કેઝ્યુઅલ લીવ (CL). આકસ્મિક રજાઓ રદ ન થઈ જાય તે ભયે મોટાભાગના કર્મચારીઓ સામૂહિક રીતે રજા પર ઉતરી જતા કચેરીઓ ખાલીખમ નજરે પડી રહી છે.
નિયમ મુજબ દરેક કર્મચારીને મળતી CL તે જ કેલેન્ડર વર્ષમાં વાપરવી ફરજિયાત હોય છે. 31 ડિસેમ્બર સુધી ઉપયોગ ન થાય તો 1 જાન્યુઆરીથી જૂનું બેલેન્સ શૂન્ય થઈ જાય છે. આથી ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કર્મચારીઓ અગાઉથી જ 3 થી 5 રજાઓ જોડીને ‘મિની વેકેશન’નું આયોજન કરે છે. પરિણામે કચેરીઓમાં કામકાજ લગભગ ઠપ થઈ ગયું છે.
વડોદરા મહાનગરપાલિકા સહિત અનેક સરકારી કચેરીઓમાં મહત્વના ટેબલો ખાલી જોવા મળી રહ્યા છે. ફાઈલો અટકી પડી છે, અરજદારોને વારંવાર ચક્કર લગાવવાનો વારો આવે છે અને ફરિયાદો વધી રહી છે. હાજર રહેલા ગણતરીના કર્મચારીઓ પર કામનો ભાર વધ્યો છે, જ્યારે ઘણા કામો સ્ટાફના અભાવે અટક્યા છે.
આ CL મોસમ દર વર્ષે જોવા મળે છે, પરંતુ આ વર્ષે કર્મચારીઓની એકસાથે રજા પર ઉતરવાની અસર વધુ તીવ્ર બની છે. કચેરીઓમાં ‘કાગડા ઉડે છે’ જેવી સ્થિતિ સર્જાતા નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવાં સમયગાળામાં વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે.

Most Popular

To Top