

( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. માંજલપુરથી વડતાલ જઈ રહેલા એક સિનિયર સિટીઝનની કારને કાલાઘોડા નજીક ફાઈન આર્ટસ ફેકલ્ટીની બહાર અકસ્માત નડ્યો હતો. એસટી બસે ટક્કર મારતા કાર ડિવાઇડર સાથે જોરદાર ભટકાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
વડોદરા શહેર અને હાઇવે ઉપર દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વીતેલા બે દિવસમાં સર્જાયેલા જુદાજુદા અકસ્માતોના બનાવોમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે હજી પણ અકસ્માતનો સિલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, તેવામાં આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેરના માંજલપુર વિસ્તાર ખાતેથી સિનિયર સિટીઝન જશુભાઈ પટેલ પોતાની કાર લઇ વડતાલ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કાલાઘોડાથી સિગ્નલ ક્રોસ કરી ફતેગંજ તરફ જતા માર્ગે ફાઈન આર્ટ્સ ફેકલ્ટી બહાર સુરત રાધનપુરની બસે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી કાર રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જોકે, અકસ્માતમાં સિનિયર સિટીઝન જશુભાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારમાં નુકસાન થયું હતું. બનાવની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.