વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ મોટી થઈ રહી છે. જુદાજુદા બિલ્ડર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્કીમો બહાર પાડીને ફ્લેટ્સ વેચવામાં આવે છે. અને વડોદરામાં ઘર ખરીદવું એટલું મોંઘુ થઈ ગયું છે કે મધ્યમ વર્ગીય વ્યક્તિ પેટે પાટા બાંધી ઊંચા વ્યાજે લોન લઈને પોતાનું મકાન ખરીદે છે. મકાન ખરીદી વખતે બિલ્ડરો દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ મળશે તેવી બાંહેધરી મકાન ખરીદનારને આપવામાં આવતી હોય છે. ત્યારે બાપોદ વિસ્તારમાં સિદ્ધેશ્વર હિલસ્ટોન ના નાગરિકોને આ બાબતે કડવો અનુભવ થયો છે.
સિધ્ધેશ્વર હિલસ્ટોનમાં રહેતા લોકો દ્વારા લાખો રૂપિયામાં પોતાના મકાન ખરીદ્યા છે ત્યારે બિલ્ડર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી અને તેનો જ વિરોધ ગતરોજ રાત્રે સ્થાનિક રહેશો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો. હવે તો વડોદરામાં બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતી દરેક ઇમારતોમાં લિફ્ટ મૂકવામાં આવતી હોય છે. પરંતુ જો લિફ્ટ ચાલતી જ ન હોય તો ત્યાં રહેતા નાગરિકોને કેવી તકલીફ થતી હશે તે સમજી શકાય છે. સાથે જ નિયમો મુજબ દરેક ઇમારતોમાં ફાયર સિસ્ટમનું હોવું ખૂબ જરૂરી છે પરંતુ સિદ્ધેશ્વર હિલસ્ટોન અપાર્ટમેન્ટ સોસાયટીમાં ફાયર સિસ્ટમ મૂકવામાં તો આવી છે પણ કાર્યરત નથી તેઓ સ્થાનિકોનું કહેવું છે. ફાયર સિસ્ટમ ચાલુ ન હોવાથી ત્યાંના રહેશોમાં ભયનો માહોલ પણ છે કે જો કદાચ કોઈ આગનો બનાવ બને તો તેઓને કેવી મુશ્કેલી પડશે. સાથે જ સ્થાનિક રહીશો પીવાના પાણીની ખૂબ તકલીફ છે. ખરીદેલ નવા મકાનમાં ભેજ આવવાની સમસ્યાથી નાગરિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટી માં રહેતા દરેક વ્યક્તિને કોઈકને કોઈક સમસ્યા પડી રહી છે. જ્યારે નાગરિકો દ્વારા બિલ્ડરને આ બાબતને રજૂઆત કરવામાં આવે છે ત્યારે બિલ્ડર દ્વારા કામ કરાવી આપવાની બાહેધરી આપવામાં આવે છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકાર ની સમસ્યાનું નિરાકરણ બિલ્ડર દ્વારા લાવી આપવામાં આવ્યું નથી જેના લીધે સિદ્ધેશ્વર હિલ સ્ટોન અપાર્ટમેન્ટ સોસાયટીમાં રહેતા લોકો ખૂબ જ રોષે ભરાયા હતા. હવે જોવાનું રહેશે કે મીડિયા અહેવાલ બાદ શું સિધેશ્વર હિલસ્ટોન ના બિલ્ડર ત્યાંના રહીશોની તકલીફોને દૂર કરશે?