સ્થાયી સમિતિમાં 17 કામોની દરખાસ્તમાંથી 12 મંજૂર, 1 મુલતવી, 4 નામંજૂર
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ આજે કુલ 17 કામોની દરખાસ્તો રજૂ થઈ હતી. જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, 1 કામ મુલતવી રાખવામાં આવ્યું છે જ્યારે 4 કામોને નામંજૂર કરવામાં આવ્યા છે.વપાણી પુરવઠા વિભાગની દરખાસ્ત મુજબ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 20 લાખની વાર્ષિક મર્યાદામાં નવીન વાલ્વ ચેમ્બર તથા વાલ્વ ચેમ્બર દુરસ્તી કરવાના કામ રજૂ કરાયા હતા. પરંતુ સભ્યોનું માનવું હતું કે આ પ્રકારના કામો ઝોન દ્વારા અગાઉથી જ કરવામાં આવે છે, તેથી નવા ઇજારા આપવાની જરૂર નથી. જેના કારણે આ કામોને નામંજૂર કરવામાં આવ્યા. વહીવટી વોર્ડ-1માં છાણી ગામ, સોખડા રોડ પાસે બુસ્ટર બનાવવાની દરખાસ્ત પણ સમિતિ સમક્ષ આવી હતી. જોકે, આ કામને સ્થાયી સમિતિએ મુલતવી રાખ્યું છે. સભ્યોએ માંગણી કરી કે કેટલા લોકોને તેનો લાભ મળશે તેની સ્પષ્ટ માહિતી આપવી જરૂરી છે. પાલિકાએ જે સિકોન કંપનીને સર્વે સહિતના કામ સોંપ્યા છે, તે કંપનીએ કરેલા સર્વે અનુસાર આ બુસ્ટર બન્યા બાદ ભવિષ્યમાં લગભગ 50 હજાર લોકોને પાણીનો ફાયદો થશે તેમ જણાયું છે. છતાં આ કામ મુલતવી રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત વોટર કૂલર અને આર.ઓ. સિસ્ટમ લગાડવાની દરખાસ્ત રજૂ થઈ હતી. પરંતુ ઇજારદાર ચોક્કસ કંપનીના જ પ્રોડક્ટ્સ રાખી રહ્યો હતો અને ભાવ ઓછો કરવા તૈયાર ન હતો. જેના કારણે અન્ય વિકલ્પો જોવા માટે થઈને આ દરખાસ્તને પણ સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી છે.