Vadodara

સિંધિયાનો હળવો ગુસ્સો વડોદરા સમારંભમાં ચર્ચાનો વિષય બન્યો

મેયર, સાંસદ અને ધારાસભ્ય મોડા પહોંચતા સિંધિયાની ટકોર “હું મહેમાન છું, જમાઈ છું, તમે સમયસર કેમ ન આવ્યા?”

વડોદરા શહેરમાં રોજગાર મેળા અંતર્ગત 51000 કરતાં વધુ યુવાનોને નિમણૂકપત્ર આપવાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કાર્યક્રમની શરૂઆત પહેલાં જ એક પ્રસંગે તેમના નારાજ થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
અધિકૃત કાર્યક્રમ માટે મંત્રી સિંધિયા નિર્ધારિત સમય કરતાં અડધો કલાક વહેલા વડોદરા આવી પહોંચ્યા હતા. તેઓ સ્થળે સમયસર ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સ્વાગત માટે સ્થાનિક પ્રતિનિધિઓ સમયસર હાજર ન રહેતા મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. માહિતી અનુસાર વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમસ્થળે થોડા મોડેથી પહોંચ્યા હતાં, જેના કારણે મંત્રીએ હળવી ટકોર સાથે પોતાની અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાસ્ય મિશ્રિત નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે, “હું વડોદરાનો મહેમાન છું, અને જમાઈ પણ છું. તો પછી તમે કેમ મોડા આવ્યા? મંત્રી તરીકે મને કેમ રિસીવ નથી કર્યું?” આ વાત સાંભળ્યા બાદ ઉપસ્થિત લોકોએ ક્ષણિક હાસ્યથી વાતાવરણ હળવું કર્યું, જોકે મંત્રીએ સ્પષ્ટતા સાથે પ્રોટોકોલ અંગે પોતાની ટીકા વ્યક્ત કરી હતી.
પછી સાંસદ હેમાંગ જોશી અને મેયર પિન્કીબેન સોનીએ મંત્રી પાસે માફી માગી અને કાર્યક્રમ યોગ્ય રીતે આગળ વધ્યો. રોજગાર મેળામાં મંત્રીએ યુવાનોને નિમણૂકપત્રો આપ્યા અને જણાવ્યું કે વડોદરા શહેર રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે દેશ માટે મૉડેલરૂપ બની રહ્યું છે.
જો કે, સિંધિયાની નારાજગીનું એ પ્રકરણ લોકલ રાજકીય વલયો અને પ્રશાસકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. શહેરના પ્રતિનિધિઓની આયોજન ક્ષમતા અને પ્રોટોકોલ પાલન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Most Popular

To Top