વડોદરા તેમજ મહીસાગર જિલ્લાના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પાણી ઘુસ્યા
વડોદરા તેમજ મહીસાગર જિલ્લાના અનેક ડેમોમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીના જળસ્તર વધી જતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મહી તેમજ ઢાઢર નદીના પાણી વધી જતા અનેક ગામોમાં નદીના પાણી ઘુસી ગયા છે. જેના કારણે અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં વરસાદના પગલે પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધી જતા રૂટ લેવલ મેન્ટેન કરવા માટે મોડી રાત્રે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. બંને ડેમમાંથી બે લાખ ક્યૂસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા જિલ્લાની મહી નદીમાં પાણીનો વધારો થતા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેથી સિંધરોટ ગામમાં નદીના પાણી ઘુસી ગયા છે. આ સાથે જ ડેસરના 5, સાવલીના 28, વડોદરા ગ્રામ્યના 9 અને પાદરા તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા નજીક આવેલ સિંધરોટ ખાતે મહી નદીની જળ સપાટી ભયજનક સપાટીના નજીક પહોંચતા નદીના પાણી ગામમાં પ્રવેશવાનું શરૂ થઇ ગયા છે. સિંઘરોટમાં નદીનું પાણી મહીસાગર મંદિરના ઓટલા પર પણ ફરી વળ્યું હતું. તેમજ કેટલાય ફાર્મ હાઉસોમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે. જેથી સલામતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. મહી નદીની ભયજનક સપાટી 14 મીટર છે અને હાલ તેની સપાટી 13 મીટરે પહોંચી ગઈ છે.
તો બીજી તરફ દેવ ડેમમાંથી પણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ડભોઇ અને વાઘોડિયા તાલુકાના લગભગ 16 ગામોને અસર થઈ છે. ડભોઈ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં ફરી એક વખત પૂર આવ્યું છે. જેના કારણે નદીના પાણી માર્ગો પર ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો. આમ ચાલુ સિઝનમાં ઢાઢર નદીમાં આ ચોથી વખત પૂરની સ્થતિ સર્જાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા.