Vadodara

સિંચાઈ વિભાગ દ્વારા શહેર બહાર વહેતી વિશ્વામિત્રી નદીમાંથી અત્યારસુધી 40 હજાર એમક્યુબ માટી કાઢાઈ

જંગલ કટીંગની કામગીરી 90 ટકા પૂર્ણ

6 પેકેજમાં ટેન્ડર, 100થી વધુ મશીનરી કાર્યરત, જૂન સુધી કામગીરી પૂર્ણ થવાનું લક્ષ્ય

વડોદરા શહેરની બહારથી વહેતી વિશ્વામિત્રી નદીની કામગીરી માટેની જવાબદારી સરકારે સિંચાઈ વિભાગને સોંપી છે. જેમાં વિશ્વામિત્રી નદીને મારેઠાથી પિંગલવાડા સુધી ફરીથી જીવંત બનાવવા માટે કુલ 6 અલગ-અલગ પેકેજમાં ટેન્ડરો જાહેર કરવામાં આવ્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયામાં 40થી વધુ ઈજારદારોએ ભાગ લીધો હતો, પરંતુ માત્ર 3 ઈજારદારો નિયતિ કન્સ્ટ્રક્શન, JNP ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચામુંડા કન્સ્ટ્રક્શનના ભાવ મંજૂર થયા છે. હાલમાં આ કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. જંગલ કટીંગની કામગીરી લગભગ 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રિસેક્શનીંગ અને ખોદકામ પણ તમામ પેકેજમાં પ્રગતિ પર છે. અત્યાર સુધીમાં 40 હજારથી વધુ એમ્ક્યુબ માટી નદીમાંથી બહાર કાઢવામાં આવી છે. આ માટી તાત્કાલિક સરકારી ખાલી પ્લોટમાં ડમ્પ કરવામાં આવી રહી છે.

સિંચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂન 2025 સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે જ ફોરેસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહી કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં 100થી વધુ મશીનરી કામગીરીમાં લાગી છે અને આવનારા સમયમાં આ સંખ્યામાં વધારો થવાનો છે. આ અગાઉ, કામગીરી શરૂ થવામાં વિલંબ થતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી ચોમાસા પહેલાં કામ શરૂ કરવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમના પગલાં બાદ કામગીરીને જમણો વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top