સિંચાઇ વિભાગના ટેન્ડર 17 માર્ચે સરકારે મંજૂર કર્યા હતા
શહેર બહારથી પસાર થતી નદીની સફાઈ માટે ટેન્ડર મંજૂર, પણ કામનો આરંભ હજુ બાકી
વડોદરા શહેરની બહારથી પસાર થતી વિશ્વામિત્રી નદી માટે સિંચાઇ વિભાગે મારેઠાથી પિંગલવાડા સુધી કુલ 6 અલગ-અલગ પેકેજમાં ટેન્ડર જાહેર કર્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયામાં 40થી વધુ ઈજારદારોએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 3 ઈજારદારોના ભાવ મંજૂર કરાયા હતા. આ ઇજારદારોમાં નિયતિ કન્સ્ટ્રક્શન, JNP ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચામુંડા કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની અંદર નદીની સફાઈ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, શહેર બહારથી પસાર થતી વિશ્વામિત્રી નદી માટે સિંચાઈ વિભાગની કામગીરી હજુ પ્રારંભ થઈ નથી.
પાલિકા દ્વારા શહેરની અંદર વિશ્વામિત્રી નદી માટેની સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, સિંચાઇ વિભાગના ટેન્ડર 17 માર્ચે સરકાર દ્વારા મંજૂર કરાયા હોવા છતાં હજી સુધી કામ શરૂ થયું નથી. પ્રાપ્ત માહિતી મુજબ, આગામી દિવસોમાં સિંચાઇ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ અને ડીસિલ્ટિંગ માટેની કામગીરી શરૂ થવાની સંભાવના છે. જો કે, પાલિકા દ્વારા જે ઝડપી કામગીરી થઈ રહી છે, તેવી જ ઝડપ સિંચાઈ વિભાગ દ્વારા પણ અપનાવવાની જરૂર છે.
બોક્સ
ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સિંચાઇ વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરી દેવા છતાં કામ શરૂ ન થતાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ચોમાસા પહેલા કામ પ્રારંભ કરવા માટે તાત્કાલિક નિર્દેશ આપવા વિનંતી કરી છે. તેમના જણાવ્યા મુજબ, હવે ચોમાસાને માત્ર 90 દિવસ બાકી છે, તેથી આ કામ તાત્કાલિક શરૂ થવું જોઈએ. જો આ કામગીરીમાં વધુ વિલંબ થશે, તો ચોમાસા દરમિયાન નદીમાં સંભવિત પૂર અને પાણી ભરાવાના કારણોસર આસપાસના વિસ્તારોમાં ભયજનક સ્થિતિ ઊભી થઈ શકે છે.
