Singvad

સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત

ખાતર લેવા ખેડૂતો ફાફા મારવા મજબૂર, ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ

પ્રતિનિધિ | સિંગવડ

સિંગવડ તાલુકામાં હાલ યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતીમાં ખાતર નાખવાનો યોગ્ય સમય શરૂ થયો હોવા છતાં તાલુકામાં યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે ફાફા મારવા પડી રહ્યા છે.

ખેડૂતોને ખેતીમાં યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ તાલુકાના એગ્રો સેન્ટરો પર યુરિયા ખાતર ન પહોંચતા ખેડૂતો મૂંઝવણમાં પડી ગયા છે. પરિણામે ખેડૂતોને દૂર-દરાજના વિસ્તારોમાંથી યુરિયા ખાતર ઊંચા ભાવે ખરીદી કરીને લાવવા મજબૂર બનવું પડી રહ્યું છે, જેના કારણે ખેતી ખર્ચમાં વધારો થયો છે.

ખાતર મૂકવાનો સમય આવી પહોંચ્યો હોવા છતાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના યોગ્ય સમયે સરકારી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવાનું વચન આપવામાં આવે છે, પરંતુ સમયસર પુરવઠો ન મળતા ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેમને સરકારી નિયત ભાવે ખાતર મળી શકે. પરંતુ યુરિયા ખાતર બનાવતી કંપનીઓ દ્વારા સમયસર પુરવઠો ન કરવામાં આવતા તેની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.

આ મામલે ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે સરકારી તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવી તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ખેડૂતોને વધુ મુશ્કેલી ન વેઠવી પડે.

Most Popular

To Top