દાહોદ:
સિંગવડ તાલુકાના પાતા ગામના તળાવમાં ડુબી જવાથી મામા ફઇના બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ છે. મૃતક બાળકોમાં સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામની છ વર્ષીય જાેશનાબેન મનોજભાઈ ડામોર અને તેના મામાનેા 11 વર્ષીય પુત્ર શિવરાજભાઈ બાબુભાઈ ડામોરનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાેશનાબેન વેકેશનમાં પાતા ગામે તેના મામાના ઘરે આવી હતી. બપોરના સમયે તે અને તેના મામાનો પુત્ર શિવરાજ ખાવા માટે નિકળ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં બંન્ને બાળકોના કપડા તળાવની પાળ પરથી મળી આવ્યા હતા. પરંતુ બાળકોના પત્તો નહોતો મળ્યો. જેથી પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેમને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જાેકે કોઈ પત્તો ન મળ્યો હતો. દરમ્યાન આસપાસના ગ્રામજનોએ બંન્ને બાળકોની તળાવમાં જ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. જેમાં ફોઈની પુત્રી જાેશનાબેનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.જ્યારે શિવરાજની શોધખોળ ચાલુ રહી હતી. પરંતુ મોડે સુધી તેનો મૃતદેહ મળી ન આવતાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. રાતના આઠ વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. તરવૈયાઓની મદદથી શોધખોળ કરતા શિવરાજનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બન્ને બાળકો ના એકસાથે મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યું હતુ. મામાના ઘરે આવેલા બાળકના મોતની ઘટનાના પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી. બાળકોના મોતની ઘટનાથી નાનકડા ગામમાં પણ શોક છવાયો હતો.
——————————————-