Singvad

સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ

અધિકારીઓએ જગ્યા જોઈ, માપણી કરી… છતાં જમીન ફાળવણી અટવાયેલી

બસ સ્ટેશન ન હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી

સંજેલી–લીમખેડા–પીપલોદ જવા મજબૂર, નવી બસોનો લાભ નથી મળતો

વહેલી તકે એસટી ડેપો બનાવવા જનમાગ ઉઠી

(પ્રતિનિધિ) સિંગવડ
સિંગવડ તાલુકામાં એસટી ડેપો બનાવવા માટે વર્ષો પહેલાં એસટી બસના અધિકારીઓ તેમજ સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા સરકારની પડતર જમીન જોઈ લેવામાં આવી હતી. બસ સ્ટેશન બનાવવા માટે જરૂરી માપણી પણ કરવામાં આવી હતી અને સ્થળ યોગ્ય હોવાનું નિરીક્ષણ દરમિયાન જણાયું હતું. તેમ છતાં આજ દિન સુધી એસટી ડેપો માટે જમીન ફાળવવામાં ન આવતા બસ સ્ટેશનનું કામ આગળ વધ્યું નથી.

કયા તંત્રમાં અટવાયું કામ? લોકોમાં ચર્ચા

એસટી ડેપો બનાવવા માટે યોગ્ય સરકારી જમીન હોવા છતાં આ પ્રોજેક્ટ કયા સરકારી તંત્રમાં અટવાયો છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. “સરકારની કામ ન લાગતી જમીન હોય તો તેનો ઉપયોગ જાહેર હિત માટે કેમ ન થાય?” એવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.

મજૂરો અને વિદ્યાર્થીઓને રોજિંદી તકલીફ

એસટી ડેપો ન હોવાના કારણે રોજગારી માટે દૂર દૂર જતા મજૂરો તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. બસ પકડવા માટે લોકોને સંજેલી, લીમખેડા કે પીપલોદ જેવા તાલુકાઓ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધી જાય છે.

ડેપો બને તો નવી બસો અને વધુ રૂટ્સ મળશે

જો સિંગવડ તાલુકામાં એસટી ડેપો અને બસ સ્ટેશન બનાવવામાં આવે તો નવી બસો તાલુકાને મળી શકે અને ગામડાઓ સુધી વધુ બસ સેવા શરૂ થઈ શકે. ઘણી એક્સપ્રેસ બસો પણ સિંગવડથી શરૂ થવાની શક્યતા છે, જેનાથી તાલુકાનો સર્વાંગી વિકાસ થઈ શકે તેમ છે.

અન્ય તાલુકાઓમાં ડેપો બન્યા, સિંગવડ પાછળ કેમ?

ગુજરાત રાજ્યના અનેક તાલુકાઓમાં એસટી બસ સ્ટેશન અને ડેપો બની ગયા છે, ત્યારે સિંગવડ તાલુકામાં હજુ સુધી બસ સ્ટેશન ન બનવું આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અન્ય તાલુકાઓની જેમ સિંગવડને પણ એસટી ડેપોનો લાભ મળવો જોઈએ.

વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ

સિંગવડ તાલુકાના નાગરિકો, મુસાફરો અને વિદ્યાર્થીઓ દ્વારા લાગતા-વળગતા અધિકારીઓને વહેલી તકે એસટી ડેપો અને બસ સ્ટેશન બનાવવાની માંગ ઉઠી છે. જો આ માંગ પૂર્ણ થાય તો વર્ષોથી ચાલતી મુસાફરીની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

Most Popular

To Top