સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે મધરાતે આશરે 12:30 વાગ્યાએ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. અચાનક લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક મોટું મકાન સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગયું હતું.
આગ દરમિયાન મકાનમાં રહેલું ગેસનું બોટલ પણ જોરદાર અવાજ સાથે ફાટી ગયું હોવાની માહિતી મળી છે. બોટલ ફાટવાના કારણે આગની તીવ્રતા વધી હતી અને આર્થિક નુકસાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મકાનમાં ચાર ભાઈઓ એકસાથે રહેતા હતા. આગે તેમનું આખું રહેણાંક — અનાજ, કપડાં અને ઘરજરૂરી સામાન સહિત — બળીને ખાક કરી નાખ્યું છે. સદ્નસીબે કોઈ માનવીય જાનહાની થઈ નથી, પરંતુ આગની ઝપેટમાં ચાર બકરાંના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
ઘટના બાદ ગ્રામજનો અને તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. શોર્ટ સર્કિટના કારણો અને નુકસાનના મૂલ્યાંકન અંગે તંત્ર તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે.