આગની ઘટનામાં પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક, ભારે નુકસાન
સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે તારીખ ૯/૧૨/૨૫ની મોડી રાત્રે લાગેલી ભયંકર આગમાં પટેલ પ્રતાપભાઈ વજાભાઈ તથા તેમના ચાર ભાઈઓના પરિવારના મકાનો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા. આ આગની ઘટનામાં ઘરવખરી સહિત મોટાપાયે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સાંસદ-ધારાસભ્યોએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક સહાય વિતરીત કરી
આ દુર્ઘટનાની જાણ દાહોદના સાંસદ જશવંતસિંહ એસ. ભાભોરને થતાં તેમણે તાત્કાલિક લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ એસ. ભાભોરને સ્થળ પર મોકલી માહિતી મેળવી હતી. દિલ્હીથી પરત આવ્યા બાદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના સદસ્ય, પાર્ટી પ્રમુખ મહેશભાઈ બારીયા, તાલુકા પંચાયતના સદસ્ય, સામાજિક કાર્યકર દિનેશભાઈ તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘરવખરી અને જીવન જરૂરિયાતની કીટ આપવામાં આવી, સરકારી સહાયની ખાતરી
સાંસદ તથા અન્ય આગેવાનોએ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ઘરવખરી અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કીટ વિતરીત કરી હતી. સાથે જ આગથી બળીને ખાક થયેલા મકાનો માટે સરકાર તરફથી મળતી તમામ પ્રકારની સહાય તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે સરકારી તંત્રને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી પૂર્ણ સહાય મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.