*ફતેપુરા તાલુકાના વાંગડ ગામના સાગરભાઈ ટાઢીગોળી ગામે સાસરીમાં ભેદી રીતે મૃત્યુ પામ્યા
*સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ*
*મૃતક યુવાનને ગળામાં આંતરિક ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરતાં પરિવારજનો*
*મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી*
( પ્રતિનિધિ ) સુખસર:
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં માનવ હત્યા કરવી તેમજ મોત નીપજાવી લાશને કુવાઓ તથા બિનવારસી છોડી દેવી તે એક સામાન્ય બાબત બની ચૂકી છે. છેલ્લા 15 વર્ષમાં સાત ડઝન જેટલા કમોત અને શંકાસ્પદ મોતના બનાવો બની ચૂકેલા છે.જે પૈકી મોટાભાગના શંકાસ્પદ કિસ્સાઓમાં આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. સુખસર પંથકમાં કથિત હત્યામાં સંડોવાયેલા આરોપીઓ ગુન્હાખોરી આચરવા નિર્ભય બનતા હત્યાના બનાવો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે હત્યા જેવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ સામે દાખલો બેસી શકે તેવી સજા થવી જરૂરી જણાય છે.જેમાં વધુ એક બનાવ પાંચેક દિવસથી સાસરીમાં આવેલા જમાઈએ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યું હોવા બાબતે સાસરીયાઓ દ્વારા જ્યારે પરિવારજનોએ ગળામાં આંતરિક ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવા બાબતે આક્ષેપ કરી સુખસર પોલીસમાં જાણ કરતા લાશને ફોરેન્સિક પી.એમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વાંગડ ગામે રહેતા સાગરભાઇ નારણભાઈ પારગી ઉંમર વર્ષ આશરે 22 નાઓના લગ્ન ટાઢી ગોળી ગામે થયા છે. સંતાનમાં એક માત્ર પુત્રી છે.ગત એકાદ માસ અગાઉ સાગરભાઇ પારગી ટાઢી ગોળીના સાસરીયાઓ સાથે બહારગામ મજૂરી અર્થે ગયા હતા ત્યારબાદ ગત પાંચેક દિવસ આગાઉ પરત પત્ની સાથે ટાઢીગોળી ગામે સાસરીમાં આવ્યા હતા. ત્યારબાદ ગતરાત્રિના સાગરભાઇએ ગળે ફાંસો ખાધો હોવા બાબતે જ્યારે મૃતક સાગરભાઇ પારગીના પરિવારજનોના આક્ષેપ મુજબ ગળામાં ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવા બાબતની ચર્ચા પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.પરંતુ મૃતકના પરિવારમાં આશાસ્પદ યુવાનનું અકાળે મોત નીપજતા રોકકળ સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.
ઉપરોક્ત બાબતે મૃતક સાગરભાઇ પારગીના સાસરી પક્ષના લોકોએ જમાઈનું ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી હતી. ત્યારે પરિવારજનોએ મૃતક સાગરને ગળામાં આંતરિક ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હોવાનો આક્ષેપ કરાતા લાશને ફોરેન્સિક પોસમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. મૃતકનું મોત કયા કારણોસર થયું છે તે પી.એમ રિપોર્ટ બાદજ જાણી શકાશે. હાલ તરેહ-તરેહની ચર્ચા એ જોર પકડ્યું છે.સુખસર પોલીસે યુવાનના આકસ્મિક મોત અન્વયે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરી ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.