નગરજનોમાં પાલિકાની નીતિરીતિ સામે ભારે રોષ

સાવલી નગર માં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર આવેલી ગટરના ઢાંકણા તૂટી જતા અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે અને અકસ્માત થવાની સ્થિતિ છે. નગરપાલિકા પાયાની સુવિધા અંગે ઉદાસીનતા પ્રવર્તી રહી છે. નગરજનોમાં પાલિકાની નીતિરીતિ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સાવલીમાં જ્યારથી પાલિકા બની છે ત્યારથી પાલિકામાં એકહથ્થુ ભાજપનું શાસન છે અને પ્રજા ખોબે ખોબે મતો આપીને ભાજપને જીતાડી રહી છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ ભાજપને સરેન્ડર થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. વિરોધ પક્ષ વગરનો તાલુકો અને નગર થઈ ગયું છે પરિણામે પાલિકાધીશો બેફામ બની ગયા છે અને મનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે. તેના કારણે નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં ઉદાસીનતાવર્તી રહ્યા છે અને નગરજનો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરિણામે વારંવાર નગરજનો પાલિકા વિરુદ્ધ લેખિત તેમજ રૂબરૂ પહોંચીને રજૂઆતો કરે છે અને પોતાનો રોષ ઠાલવે છે.

પોતાની વ્યથા જેવાકે પાલીકા ના વિકાસ ના કામોમાં ભ્રષ્ટાચારની બુમો ,પૂરતા પ્રેશરથી પાણી નહીં પહોંચવાની બૂમો ,નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા રસ્તે રખડતા ઢોરોનો આતંક ,નગરના જાહેર માર્ગો પર દબાણોથી નગરજનો જાહેર માર્ગો પર અવરજવર કરતા પરેશાન થઈ રહ્યા છે . જન્મ મરણના દાખલામાં સુધારો કરવા માટે ધરમધક્કા, નિયમિત ચીફ ઓફિસરની નિમણૂક વિનાની નગરપાલિકા ,પાણી સફાઈ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધા , નગરપાલિકાની સ્ટ્રેટ લાઈટ પરથી બેવફા ગેરકાયદેસર વીજ કનેક્શન, ગેર કાયદેસર નળ કનેક્શન ,નગર તળાવ ની સફાઈ સહિતના પ્રશ્નો છે હમણાં અઠવાડિયા માં જ એમજીવીસીએલ દ્વારા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરની મહિલાઓએ પાલિકામાં જઈને પાણી મુદ્દે ઘેરાવો કરી હલ્લાબોલ કર્યો હતો. ત્યારે પાલિકાની ભારે ફજેતી થઈ હતી.

નગરમાં પ્રવેશના તમામ રસ્તાઓ જેવા કે સાવલી હાઈસ્કૂલ સાવલી રોડ ડમરું સ્કૂલ રોડ તેમજ પાણીની ટાંકી સામેનો રોડ તેમજ બઝાર સમિતિ વાળો રોડ આ રોડ મુખ્યત્વે નગરમાં અવરજવર કરવાના પ્રવેશદ્વાર સમાન રોડ છે. આ તમામ રસ્તાઓ પર નગરના ગટરના ઢાંકણાઓ તૂટી ગયા છે અને અકસ્માત ને આમંત્રણ આપી રહ્યા હોય તેમ છે. તેમ છતાંય પાલિકા ધીશો ની રિપેરિંગ કરવા માટે ઊંઘ ઊડતી નથી અને નગરજનોને ભગવાન ભરોસે રસ્તા પરથી પસાર થવા માટે અકસ્માતના ભયે છોડી દેવામાં આવ્યા છે ત્યારે રાહદારીઓ અને નગરજનો માં ભારે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. નગરના મુખ્ય માર્ગો પરથી તાલુકા ના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અને અધિકારી ઓ તેમજ ચૂંટાયેલી પાંખ ના સભ્યો વારંવાર પસાર થાય છે તેમ છતાં કોઈ ને આ ઢાંકણાઓની રીપેરીંગ કે મરામત કરવા બાબતે વિચાર કરવાની તસ્દી કે રજૂઆત કરી નથી . તે બાબત ભારે નવાઈ પમાડે તેમ છે .

અત્રે ઉલ્લેખનીય છે કે આશરે મહિના અગાઉ સુરતમાં ગટરના ઢાંકણું તૂટી ગયેલું હોવાથી પડવાથી રાહદારીનું મોત થયું હતું તેવી રીતે સાવલી પાલિકા પણ આ ગટરમાં પડવાથી કોઈના મૃત્યુની રાહ જોઈ રહી હોય તેવું નગરજનોને લાગી રહ્યું છે ત્યારે વહેલી તકે પાલિકા ધીશો અને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરના ગટરના ઢાંકણાઓ મરામત કરાવીને નવા ઢાંકણા નાખે અને કોઈ નિર્દોષ રાહદારી ભોગ ન બને તે માટે સત્વરે મરામત કરાવે તેવી માંગ ઉઠી છે
