સાવલી પોકસો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકમાં 2023 ની સાલમાં સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચારવાના પ્રકરણમાં કુલ ત્રણ આરોપી પૈકી એકને નિર્દોષ તેમજ એક આરોપીને પાંચ તેમજ સાત વર્ષની સજા અને 25 -25 હજારનો દંડ તેમજ મુખ્ય આરોપીને આજીવન કેદની સખત સજા અને એક લાખ રૂપિયા દંડ ફટકારાયો હતો.
ડેસર તાલુકાની 16 વર્ષની સગીરા પોતાના ખેતરમાં ગઈ હતી અને ઘરે પરત ન આવતા આખો દિવસ તપાસ કરવા છતાંય ભોગ બનનાર સગીરા મળી આવી ન હતી. તેના પગલે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે તપાસ કરતા સગીરા છ દિવસ બાદ મળી આવી હતી. સગીરાને પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં તેના ગામથી આરોપી નંબર (૧) શંભુભાઈ શાંતિલાલ પરમાર દુમાડ ચોકડી થી વડોદરા ખાતે બાઈક પર બેસાડીને લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી નંબર (૨) કલ્પેશ નરવત પરમારને સંપર્ક કરીને સગીરાને એસટી ડેપો ખાતે બોલાવી હતી અને ત્યારબાદ તેની પાસે રૂમની વ્યવસ્થા ન હોવાથી ફરી મળવાનું કહીને સગીરાને દુમાડ ચોકડી સુધી મૂકી ગયા હતા. ત્યારબાદ સગીરા દુમાડ ચોકડીથી ખાનગી વાહનમાં સાવલી ડેપો ખાતે ગઈ હતી ત્યાં આરોપી નંબર (૩ )શૈલેષ ભગવાન સિંહ પરમાર સાથે મુલાકાત થઈ હતી અને સગીરાને ભોળવીને છૂટક વાહનોમાં પાવાગઢ ધાબાડુંગરી ખાતે લઈ ગયો હતો અને ત્યાં હાલોલ ખાતે રૂમ ભાડે રાખીને ચાર દિવસ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો કેસ પોકસો કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી નંબર (૧) શંભુ શાંતિલાલ પરમારને નિર્દોષ છોડી મૂક્યો હતો જ્યારે આરોપી નંબર (૨) કલ્પેશ નરવત સિંહ પરમારને ઇ પી કો કલમ 363 તથા 366ના ગુનાના કામે દોષિત ઠેરવીને પાંચ વર્ષ તથા સાત વર્ષની સજા તથા બંને ગુનાઓમાં 25 25 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે આરોપી નંબર (૩) શૈલેષ ભગવાન સિંહ પરમાર રહે ગજાપુરા ચિકલાવ તા ઠાસરા જિલ્લો ખેડા ને પોકસો એક્ટની તેમજ ઈપીકોની વિવિધ કલમો મુજબ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો છે સાથે સાથે આરોપી જે દંડની રકમ કોર્ટમાં ભરે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે