Vadodara

સાવલીમાં પીધેલી હાલતમાં ડ્રાઈવરે એસટી બસ હંકારી

મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવર પાસે લાઇસન્સ પણ નહોતું

વડોદરા પાસે સાવલીમાં એસટી બસ ડ્રાઇવરના ચાલવાના ય ઠેકાણા ન્હતા, છતાં તેણે મુસાફરો ભરેલી બસ હંકારી હતી. સમગ્ર મામલે જાગૃત મુસાફરે પોલીસને જાણ કરતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૌથી મોટી વાત તો એ છે કે, સરકારી બસ ચાલક પાસે પોતાનું લાયસન્સ પણ ન હતુું.
સાવલી પોલીસ મથકમાં એએસઆઇ અરવિંદભાઇ ભયલાલભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. જેમાં જાણ થઇ કે સરકારી બસનો ડ્રાઇવર દારૂ પીને ચલાવે છે. જે બાદ આ વાતની જાણ કરતા પોલીસ જવાનો ગોઠડા ગામે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને જોતા બસ ચાલક અને કંડક્ટર ખાખી વર્ધીમાં ઉભેલા હતા. બસ ડ્રાઇવર રણજીતસિંહ બળવંતસિંહ ઝાલાએ હંકારી હોવાનું જણાવ્યું હતું. અને તેના મોઢામાંથી કેફી પીણુ પીધુ હોવાની વાસ આવતી હતી.
જે બાદ તેની પુછપરછ કરવામાં આવતા તેણે તોતડાડી જીભે જવાબ આપ્યા હતા. તેની આંખો નશાની હાલતમાં લાલચોળ જણાતી હતી. તેના ચાલવાના પણ હોશ ન હતા. પોલીસે તેની પાસે કેફી પીણું પીવા અંગેની પરમીટ માંગતા તે આપી શક્યો ન હતો. આટલું તો ઠીક પોલીસ દ્વારા તેની પાસે લાઇસન્સ માંગતા તે પણ તેની પાસે નહિ હોવાનું તેણે જણાવી દીધું હતું. આખરે પોલીસ દ્વારા બસ ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસે બસ ડ્રાઇવર રણજીતસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. અડપોદરા, હિંમતનગર, સાબરકાંઠા) સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, બસના મુસાફરની જાગૃતતાના કારણે તમામ મુસાફરો સલામત રીતે અન્ય બસમાં ખસેડાયા હતા. અને બેજવાબદાર વર્તન કરતાર સરકારી બસના ચાલક સામે કાર્યવાહી થઇ શકી હતી.

Most Popular

To Top