Vadodara

સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો

સગા સંબંધીઓએ જ પૂર્વ પ્રેમલગ્નની અદાવત રાખી હુમલો કર્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા. 9
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુગટપુરા ગામે કાયદો અને વ્યવસ્થાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. સામાજિક પ્રસંગે હર્ષ અને આનંદ સાથે નિમંત્રણ આપવા ગયેલી એક મહિલા પર તેના સગા સંબંધીઓએ જ પૂર્વ પ્રેમલગ્નની અદાવત રાખી લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નીતાબેન જીતેન્દ્રભાઈ ઠાકોર પોતાના પુત્રની બાબરી પ્રસંગે કંકોત્રી આપવા માટે પિયર પક્ષે ભાઈના ઘરે ગયા હતા. આ દરમિયાન અગાઉ થયેલા પ્રેમલગ્નની જૂની અદાવત રાખીને તેમના સગા કાકા રમેશભાઈ ચીમનભાઈ વસાવા અને પિતરાઈ ભાઈ જીગ્નેશ વસાવાએ ઝઘડો ઉશ્કેર્યો હતો. વાત વણસતા કાકા, પિતરાઈ ભાઈ, કાકી લીલાબેન તેમજ ઘરની વહુ સહિત 4થી 5 લોકોએ ભેગા મળી નીતાબેન પર લાકડીઓ વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો.

હુમલામાં નીતાબેનના કપડાં ફાડી તેમની લાજ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ જીતેન્દ્રભાઈ ઠાકોરને પણ હુમલાખોરોએ માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નીતાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રેમલગ્નની અદાવતમાં એક મહિલાની સલામતી અને ઇજ્જત પર હુમલો કરનાર આરોપીઓ સામે સાવલી પોલીસ કડક કાર્યવાહી કરશે કે નહીં તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Most Popular

To Top